ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
બૉલીવુડના ટોચના ડિરેક્ટર-પ્રોડ્યુસરમાંના એક કરણ જોહરે ફરી પાછો પોતાનો મોબાઇલ-નંબર બદલાવ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના આપઘાત પછી સોશિયલ મીડિયા પર કરણ જોહરને ટ્રોલ કરતાં તેણે પહેલી વખત નંબર બદલાવ્યો અને એ પછી બે વખત નંબર ચેન્જ કર્યા. નોંધપાત્ર વાત છે કે અગાઉ કરણ જોહર લગભગ 10 વર્ષથી એક જ નંબર વાપરતો હતો, પરંતુ 14 જૂન પછી ડિરેક્ટર-પ્રોડ્યુસરે ત્રણ વખત મોબાઇલ-નંબર બદલાવી નાખ્યા છે. જોકે માનવામાં આવે છે કે આ વખતે નંબર બદલવાનું કારણ નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો જવાબદાર છે.
કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાતું હોય એવા વાઇરલ થયેલા વિડિયોની ઇન્ક્વાયરી શરૂ થતાં કરણ જોહરે મોબાઇલ-નંબર બદલાવી નાખ્યો હતો, એટલું જ નહીં, તે છેલ્લા ચાર પાંચ દિવસથી મુંબઈ છોડીને પણ ચાલ્યો ગયો છે. કરણે પોતાની ઑફિસમાં અને પર્સનલ સ્ટાફને નવો નંબર કોઈને પણ આપવાની સખ્ત મનાઈ કરી દીધી છે અને ઑફિસમાં પણ જૂજ લોકો જ એવા છે જેમની સાથે કરણે આ નંબર શૅર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કરણના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેતા સ્ટાર્સની તપાસનું કામ ઑલરેડી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધું છે.
