ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
એસએસ રાજામૌલીનું નામ દક્ષિણ ભારતની ફિલ્મોમાં તો મોટું છે જ પરંતુ તેમનું નામ ફિલ્મ બાહુબલી બાદ વિશ્વભરમાં ગુંજતું થયું છે. તેવામાં ફરી એકવાર તેમના નામની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. કારણ કે તેઓ હાલ જે ફિલ્મ બનાવી રહ્યા છે તેના રાઈટ્સ તેમણે કરોડોમાં વેંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે નિર્દેશક રાજામૌલી હાલ ‘આરઆરઆર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં એનટી રામારાવ જૂનિયર અને રામચરણ તેમજ આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત ફિલ્મમાં અજય દેવગણ પણ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત છે જેમણે હૈદરાબાદના નિઝામ વિરુદ્ધ લડત લડી હતી.
નોંધનીય છે કે, આ ફિલ્મ તેલુગુમાં બની રહી છે. આ સાથે જ તેને હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ 350થી 400 કરોડનું છે. તેવામાં તેના ટીવી અને ડિજીટલ રાઈટ્સ 200 કરોડમાં વેચવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રાઈટ્સ સ્ટાર નેટવર્ક એ ખરીદ્યા છે. આ ફિલ્મ ટીવી અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર દેખાડવામાં આવશે. જોકે આ ફિલ્મ પહેલા મોટા પડદા પર રિલીઝ થશે, ત્યારબાદ જ તે બીજા પ્લેટફોર્મ પર દેખાડવામાં આવશે.
