ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર છાપો મારીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બૉલિવુડ બાદશાહ શાહરુખના પુત્ર આર્યન ખાન સહિત અન્ય 3ની ઘરપકડ કરીને સપાટો બોલાવ્યો હતો. એ બાદ NCBએ રવિવારે મોડી રાતે મુંબઈના બાંદરા, અંધેરી, લોખંડવાલા જેવા વિસ્તારમાં છાપો મારીને એક ડ્રગ્સ સપ્લાયરને દબોચી લીધો હતો.
શાહરુખ ખાનના પુત્ર આર્યનને જામીન મળે એ માટે તેમના વકીલે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે સવારના કોર્ટમાં રજૂ કરાતાં આર્યન સહિતના 3 લોકોની રિમાન્ડને 4 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.
આ દરમિયાન NCBના અધિકારીના જણાવ્યા મુજબ ક્રૂઝ પર રેવ પાર્ટીની ટિપ મળ્યા બાદ શનિવારે જ NCBના અધિકારીઓ ક્રૂઝ પર પહોંચી ગયા હતા. છાપામારી દરમિયાન અમુક લોકો પાસેથી નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા, તો અમુક શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી. એમાં અમુક લોકોએ પોતાનાં કપડાંમાં, અન્ડરગાર્મેન્ટ અને મહિલાઓએ પોતાના પર્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. આર્યન અને દોસ્ત અરબાઝ મર્ચન્ટની તલાશી લેવામાં આવી હતી. એમાં આર્યને પોતાના આઇ લેન્સની ડબ્બીમાં તો અરબાઝે પોતાના શૂઝમાં ડગ્સ છુપાવેલું મળ્યું હતું. પાર્ટીમાં જોડાયેલા અન્ય લોકોમાં અમુક લોકોએ તો સેનેટરી પેડ્સની સાથે જ મેડિકલ બૉક્સમાં છુપાવ્યું હોવાનું જણાયું હતું.
આર્યન ડ્રગ્સ પેડલરના કૉન્ટૅક્ટમાં હોવાનું તેના ફોનના વ્હોટ્સઍપ ચેટ પરથી NCBને તપાસમાં જણાયું હતું.
