ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
તિહાડ જેલમાં બેસીને 200 કરોડ રૂપિયાની વસૂલી કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED )કથિત આરોપી ગણાતા સુકેશ ચંદ્રશેખર તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય 6 લોકો સામે 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ દરમિયાન રવિવારે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઈટ પકડવાથી રોકી દેવામાં આવી હતી.
200 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં ED કથિત આરોપી સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે, જેમાં 36 વર્ષની જેકલીનની પણ તપાસ કરવામાં આવવાની છે. તેની સામે લુકઆઉટ નોટિસ હોવાથી તેને દુબઈ જતી ફલાઈટ પકડવાથી રવિવારે એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. તેથી તેને પાછા ફરવું પડયું હતું.
આ દરમિયાન EDએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. તે મુજબ ઠગ સુકેશે બોલીવુડ અભિનેત્રી જેકલીન અને નોરા ફતેહીને કરોડો રૂપિયાની મોંઘી ગિફ્ટ આપી હોવાનું જણાયું છે.
ચાર્જશીટ મુજબ સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાના મોંઘા ગિફ્ટ આપ્યા છે, જેમાં 52 લાખનો ઘોડો અને 9 લાખની ફારસી બિલાડીનો પણ સમાવેશ થાય છે. એ સિવાય સોનાના અને હીરાના દાગીના ના સેટ, ક્રોકરી વગેરેનો સમાવેશ થાય છે.