News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 1 મહિનાથી વધુ સમયથી જેલના સળિયા પાછળ હતો, હવે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરનાર પૂર્વ NCB ચીફ સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. CBIના સાક્ષી કેપી ગોસાવીએ ખુલાસો કર્યો છે કે સમીર વાનખેડેએ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવા માટે આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની લાંચ માંગી હતી અને બાદમાં ગોસાવીએ પોતે 18 કરોડમાં આ સોદો નક્કી કર્યો હતો. ગોસાવીએ કમિશન તરીકે રૂપિયા 50 લાખ લીધા હતા.સીબીઆઈએ સમીર વાનખેડે સામે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એ વાત સામે આવી છે કે એનસીબી ચીફના કહેવા પર ગોસાવીએ આર્યન ખાનનું નામ ડ્રગ્સ કેસમાંથી હટાવવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને તેના બદલામાં ખાતરી આપી હતી કે તે આર્યન ખાન ને આમાંથી બહાર લાવશે.
આટલા રૂપિયા માં ફાઇનલ થઇ હતી ડીલ
એફઆઈઆર મુજબ, સમીર વાનખેડેએ ગોસાવીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી કે તે કોઈપણ રીતે પૈસાનો વ્યવહાર કરી શકે છે. બાદમાં 18 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી અને 50 લાખ રૂપિયા પણ ગોસાવીને મળ્યા હતા.આ એફઆઈઆરમાં સમીર વાનખેડે પર આવક કરતા વધારે સંપત્તિ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સમીર વાનખેડેએ તેના વિદેશ પ્રવાસ વિશે ખોટી માહિતી આપી હતી, તેણે તેની લક્ઝરી ઘડિયાળો અને બ્રાન્ડેડ કપડાં વિશે પણ યોગ્ય રીતે જણાવ્યું ન હતું.સીબીઆઈએ NCB સાથે સંકળાયેલા કુલ ચાર લોકો પર આરોપ મૂક્યો છે, જેમાં સમીર વાનખેડે સિવાય વીવી સિંહ, કેપી ગોસાવી, આશિષ રંજન અને ડિસોઝાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે કેપી ગોસાવી એ જ છે જેણે આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી જ્યારે આર્યન NCB કસ્ટડીમાં હતો.એફઆઈઆરમાં એવો પણ ઉલ્લેખ છે કે સમીર વાનખેડેએ કેપી ગોસાવી અને તેના સહયોગી ડિસોઝાને આર્યન ખાનના પરિવાર પાસેથી કોઈપણ રીતે 25 કરોડ રૂપિયા પડાવવાની પરવાનગી આપી હતી, બાદમાં 18 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી.