ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
બોલિવુડ સુપરસ્ટાર રહી ચૂકેલા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ઉર્ફે મીમો પર બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીપૂર્વક અબોર્શન કરાવવાનો કેસ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદમાં મિથુનની પત્ની યોગિતા બાલીનું પણ નામ છે. પીડિતા તરફથી પોલીસને આપવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, "પીડિતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય ઉર્ફે મીમો વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. મહાક્ષયે આ દરમિયાન પીડિતાને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા."
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી તેને કેફી દ્રવ્યવાળું સોફ્ટ ડ્રીન્ક પીવડાવ્યું હતું. આ દરમિયાન દરમિયાન મહાક્ષય ઉર્ફે મીમોએ પીડિતા સાથે તેની મજરી વગર શારીરિક સંબંધ બાંધ્યા અને શારીરિક, માનસિક રીતે ને હેરાન કરતો રહ્યો.
પીડિતાના જણાવ્યા પ્રમાણે, જ્યારે તે આ સંબંધને કારણે ગર્ભવતી થઈ હતી, ત્યારે મહાક્ષય ઉર્ફે મીમોએ તેના પર અબોર્શન કરવા માટે દબાણ કર્યું હતું અને જ્યારે તે આમ કરવા માટે સહમત ન થઈ ત્યારે તેણે તેને થોડીક ગોળીઓ ખવડાવી બળજબરીપૂર્વક તેનું અબોર્શન કરાવ્યું હતું. પીડિતાનું કહેવું છે કે, 'મહાક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાને ધમકાવી આ કેસને રફાદફા કરવા માટે દબાણ પણ કર્યું હતું.
પીડિતાએ અગાઉ આ કેસમાં એફઆઈઆર નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ હતી જ્યાં તેણે દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર નોંધાવવા અપીલ કરી હતી. જેમાં પ્રાથમિક પુરાવાના આધારે કોર્ટે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેના આધારે ગુરુવારે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસ વધૂ તપાસ હાથ ધરશે.