ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
બૉલિવુડમાં એવી ઘણી હસ્તીઓ છે જેમણે એક વખત નહીં, પણ બે કે વધુ વખત છૂટાછેડા લીધા અને તેમના જીવનમાં આગળ વધ્યા. એક વાર એકબીજા માટે પરફેક્ટ ગણાતાં આ યુગલો જીવનના એક તબક્કે એકબીજાથી અલગ થઈ ગયાં અને તેમણે સંબંધોનો અંત આણ્યો. ઘણાં યુગલો તેમનાં લગ્નના એક દાયકા પછી એકબીજાથી અલગ થયાં અને તેમના છૂટાછેડા થઈ ગયા. ચાલો, આવી ફિલ્મી હસ્તીઓ વિશે વિગતવાર જાણીએ.
આમિર ખાન
જ્યારે આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે બધા ચોંકી ગયા. આમિર અને કિરણ રાવ લગ્નનાં 15 વર્ષ પછી એકબીજાથી અલગ થયાં. કિરણ રાવ સાથે આમિર ખાનનું આ બીજું લગ્ન હતું. અગાઉ તેણે રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં અને 2002માં છૂટાછેડા લીધા હતા. રીના અને આમિર ખાનનાં લગ્ન લગભગ 16 વર્ષ ચાલ્યાં. આમિર ખાનને તેની પહેલી પત્ની રીના દત્તાથી બે બાળકો જુનૈદ અને ઈરા છે.
સંજય દત્ત
સંજય દત્ત બૉલિવુડના પીઢ અભિનેતા છે. તેમનું લગ્નજીવન પણ અસ્તવ્યસ્ત રહ્યું છે. સંજયના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયાં હતાં. બંનેએ વર્ષ 1987માં લગ્ન કર્યાં. જોકે સંજય દત્ત અને રિચા શર્માના છૂટાછેડા થયા છે કે નહીં એની પુષ્ટિ થઈ નથી, પરંતુ એવું કહેવાય છે કે લગ્ન બાદ સંજય દત્તે 1993માં છૂટાછેડા માટે અરજી કરી હતી. કમનસીબે 1996માં રિચા શર્માનું અવસાન થયું. આ પછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યાં. જોકે આ લગ્ન લાંબા સમય સુધી ટક્યાં નહીં અને પછી સંજય દત્તે માન્યતા સાથે ત્રીજી વાર લગ્ન કર્યાં.
કિશોરકુમાર
દિવંગત સુપ્રસિદ્ધ ગાયક કિશોરકુમારે તેમના જીવનકાળમાં ચાર લગ્ન કર્યાં હતાં. રૂમા ઘોષ, મધુબાલા અને યોગિતા બાલીને છૂટાછેડા આપ્યા પછી કિશોરકુમારે લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યાં અને 1987માં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ તેમની સાથે ખુશ હતા. તેમના પ્રથમ લગ્ન 1950માં સત્યજિત રેની ભત્રીજી રૂમા ગુહા ઠાકુરતા સાથે થયાં હતાં. લગ્નનાં 8 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયાં. આ પછી કિશોરકુમારે મધુબાલા સાથે બીજા લગ્ન કર્યાં. આ લગ્ન માટે કિશોરકુમારે પોતાનો ધર્મ બદલવો પડ્યો હતો. લગ્નજીવનના છેલ્લાં વર્ષો દરમિયાન આ દંપતી ડિપ્રેશનમાં ગયું હતું. મધુબાલાએ વર્ષ 1969માં દુનિયાને અલવિદા કહ્યું. આ પછી કિશોરે યોગિતા બાલી સાથે લગ્ન કર્યાં અને બંને બે વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયાં. કિશોરકુમારે ચોથી વખત લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યાં.
નીલિમા અઝીમ
બૉલિવુડ અભિનેત્રી નીલિમા અઝીમે પહેલા અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. થોડાં વર્ષો પછી તે પંકજ કપૂરથી અલગ થઈ ગઈ. પંકજ કપૂરથી છૂટાછેડા બાદ તેણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં. આ લગ્ન પણ તેના માટે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યાર બાદ તેણે રઝા અલી ખાન સાથે લગ્ન કર્યાં. જોકે આ સંબંધ પણ માત્ર પાંચ વર્ષ ચાલ્યો હતો.
પુત્રની કસ્ટડી મળ્યા બાદ શ્વેતા તિવારીનું નિવેદન સામે આવ્યું; કહી આ વાત