ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે નટુકાકાને ઓળખતી ન હોય. નટુકાકાનું સાચું નામ જાણનારા બહુ ઓછા લોકો છે. તેમનું સાચું નામ ઘનશ્યામ નાયક છે. મોટા ભાગના લોકો તેમને નટુકાકાના નામથી ઓળખે છે. 3 ઑક્ટોબર, 2021ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ નટુકાકાએ ભજવેલું પાત્ર તેમના ચાહકોના હૃદયમાં કાયમ માટે અંકિત રહેશે.
12 મે, 1944ના રોજ જન્મેલા ઘનશ્યામ નાયકનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તેઓ થોડા સમયથી કૅન્સર સામે લડી રહ્યા હતા. લાંબા સમય સુધી આ રોગ સામે લડ્યા પછી, 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. તેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા હતા. SAB ટીવી પર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટવરલાલ પ્રભાશંકર ઉંદાઇવાલા ઉર્ફે નટુકાકાની ભૂમિકા માટે મોટા ભાગના લોકો તેમને ઓળખે છે. તેમણે 1960માં હિન્દી ફિલ્મ ‘માસૂમ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેઓ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં દેખાયા. અત્યાર સુધી તેઓ 100થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં દેખાયા હતા. આ ઉપરાંત તેમણે 350 હિન્દી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેઓ 100થી વધુ ગુજરાતી નાટકોનો પણ ભાગ રહ્યા છે.
જાણો, શાહરુખ અને ગૌરી વચ્ચે કોણ વધારે કમાય છે?
અભિનેતા હોવાની સાથે તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા પ્લેબેક સિંગર પણ હતા. તેમણે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા ગાયકો સાથે 350થી વધુ ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. હાલમાં દર મહિને તેમની આવક 7થી 8 લાખ રૂપિયા હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં તેઓ એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા લેતા હતા. આ શોમાં તેમણે જેઠાલાલના ગડા ઇલેક્ટ્રોનિક્સમાં મૅનેજરની ભૂમિકા ભજવી હતી. તેમની આવકનો મુખ્ય સ્રોત અભિનય હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે માત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં જોવા મળ્યા હતા. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 2021માં તેમની કુલ સંપત્તિ 3 કરોડ હતી. જ્યારે 2020માં તેમની સંપત્તિ માત્ર 2.5 કરોડ હતી. ભલે આજે તેમણે આ દુનિયા છોડી દીધી છે, પરંતુ તેમના અભિનયના આધારે તે તેમના ચાહકોના હૃદયમાં કાયમ માટે અમર રહેશે.