ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય અભિનેતા ઘનશ્યામ નાયક એટલે કે ‘નટુકાકા’ બનીને તેમણે લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. ટેલિવિઝન સિવાય નટુકાકાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં પણ આ જ રીતે અભિનય કરીને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં અભિનેતા ઘનશ્યામ નાયક ફિલ્મના સેટ પર દરેકના પ્રિય હતા. ખાસ વાત એ છે કે ઘનશ્યામ નાયકનો ઐશ્વર્યા રાય સાથે ખાસ સંબંધ બંધાઈ ગયો હતો. ઘનશ્યામ નાયકનું કહેવું છે કે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર તેમણે ઐશ્વર્યા રાયને ગુજરાતની પ્રખ્યાત નૃત્ય ભવાઈ પણ શીખવી હતી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન નટુકાકાએ કહ્યું હતું કે તેને યાદ છે કે તેણે ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો હતો ત્યારે ઐશ્વર્યા નવી નવી જ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી અને એ સમયે બૉલિવુડમાં એ નવોદિત હતી. તે ખૂબ જ સરળ અને દયાળુ છે. તેણે મને ખૂબ માન આપ્યું. જ્યારે તેમને ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને ગુજરાતીમાં ભવાઈ શીખવી ત્યારે તેણે મારા પગે પડીને મારા આશીર્વાદ લીધા હતા.