ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
ભજન સમ્રાટ અનૂપ જલોટા અને જસલીન મથારુ હંમેશા હેડલાઇન્સમાં રહે છે અને બંનેના ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જસલીન મથારુએ 'બિગ બોસ 12' માં અનુપ જલોટાની ગર્લફ્રેન્ડ બનીને પ્રવેશ કર્યો હતો અને ત્યારે તે ખૂબ ચર્ચામાં પણ રહી હતી. જો કે આ જોડીમાંથી કોઈ પણ ફાઈનલમાં પહોંચ્યું નહોતું, પરંતુ ઘરની બહાર આવ્યા પછી પણ બંને તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં રહે છે. હવે ફરી તેમણે એવું કાંઈક કર્યું છે જેને કારણે તેઓ ચર્ચામાં છે.
હાલ સોશિયલ મીડિયા પર તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં અનુપ જલોટાએ માથા પર સહેરો બાંધેલો છે તો તેમની સાથે એક્ટ્રેસ જસલીન મથારુ એ પણ દુલહનના વસ્ત્રો પહેર્યા છે. આ દરમિયાન તે બંને એકદમ ખુશ દેખાઈ રહ્યા છે. જસલીન માથારુએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જોકે તેણે આ સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. તેણે માત્ર ફાયર વાળા બે ઇમોજી જ રાખ્યા છે. આ ફોટો જોઇને સવાલ એ થાય છે કે શું આ બંનેએ લગ્ન કરી લીધા છે. હકીકતમાં બંને એક ફિલ્મમાં સાથે નજરે પડવાના છે, જેનુ નામ છે ‘વો મેરી સ્ટુડન્ટ હે’. જસલીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે જેમાં તે અનુપ જલોટા સાથે જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે જસલીન મથારુ જ્યારે બિગ બોસ 12 માં અનૂપ જલોટા સાથે જોડાવા માટે આવી ત્યારે તેમની મિત્રતા અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ ઘરની બહાર આવ્યા પછી, અનૂપ જલોટાએ કહ્યું હતું કે તે ફક્ત એક શો માટે જોડી તરીકે આવ્યા હતા અને તેમની મિત્રતા અંગે કરવામાં આવતી તમામ અટકળોનો ઇનકાર કર્યો હતો.