News Continuous Bureau | Mumbai
Jalso – A Family Invitation : સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોઈ હૈથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર દિગ્દર્શક રાજીવ રૂઇયાને સુપરડુપર હિટ એનિમેટેડ ફિલ્મ માય ફ્રેન્ડ ગણેશાએ જબરજસ્ત ખ્યાતિ અપાવી. પંદર વરસની કરિયર દરમિયાન બે મરાઠી સહિત વિવિધ જ઼ૉનરની રાજીવે સત્તર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. હવે રાજીવ રૂઇયાની મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ જલસો – અ ફૅમિલી ઇન્વિટેશન 13 જૂને રિલીઝ થઈ રહી છે ત્યારે પ્રસ્તુત છે દિગ્દર્શકની ખાસ મુલાકાત.

તમારી પંદરેક વરસની કરિયર દરમિયાન બે મરાઠી સહિત પંદરેક હિન્દી ફિલ્મો બનાવ્યા બાદ ઢોલિવુડમાં આવવાનું કોઈ ખાસ કારણ?
ત્રણેક વરસથી આ વિષય મારા મનમાં ઘોળાઈ રહ્યો હતો. જોકે ત્યારે એને હિન્દીમાં બનાવવાની યોજના હતી. પરંતુ મારા અનેક મિત્રોએ કહ્યું કે આ વિષય ગુજરાતી ફિલ્મનો છે. કારણ, ગુજરાતીઓ દરેક પ્રસંગની ઉજવણી ભવ્યતાથી કરતા હોય છે. અમારી ફિલ્મની વાર્તા પણ એક પરિવારની છે. જલસો – અ ફૅમિલી ઇન્વિટેશન પણ એક પારિવારિક ફિલ્મ છે અને દીકરાનાં લગ્નની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવા માગે છે. ડેસ્ટિનેશન વેડિંગ સમય દરમિયાન થતી ઘટનાઓ ફિલ્મને મનોરંજક બનાવે છે.

Jalso – A Family Invitation : ફિલ્મના ટાઇટલ જલસો સાથે અ ફૅમિલી ઇન્વિટેશન ટૅગ લાઇન રાખવાનું કોઈ ખાસ કારણ?
મેં કહ્યું તેમ ફિલ્મનું જૉનર સોશિયલ છે અને એમાં લગ્ન પ્રસંગ કેન્દ્ર સ્થાને છે. આ ડેસ્ટિનેશન વેડિંગ છે એટલે શુભ પ્રસંગના જલસામાં ઉપસ્થિત રહેવા માટેનું પરિવાર તફથી હાર્દિક આમંત્રણ અપાયું છે. એ સાથે એમાં ઉપસ્થિત રહેવા ફિલ્મી પરિવાર તરફથી ટૅગ લાઇન દ્વારા દર્શકોને પણ કુટુંબના સભ્ય તરીકે ખાસ નોતરું આપવામાં આવ્યું છે.
Jalso – A Family Invitation : જલસોમાં વીસ-બાવીસ જેટલાં જાણીતા કલાકારો છે તો તેમને અનુરૂપ પાત્ર છે એટલે લીધાં છે કે પોસ્ટર બૉય્ઝ તરીકે?
વાત સાચી છે કે ફિલ્મમાં અનેક જાણીતાં કલાકારો છે. પણ મેં જ્યારે ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે જ નક્કી કરેલું કે એક લેવિશ ફિલ્મ બનાવીશ. બીજું, બૉલિવુડનો દિગ્દર્શક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છે તો એની પાસે કામ નથી. પણ મેં કહ્યું તેમ મારે સૂરજ બડજાત્યા જેવી ભવ્ય ફિલ્મ બનાવવી હતી. એટલે મહત્વના પાત્રો માટે જાણીતા કલાકાર લીધા. જોકે ફિલ્મમાં દરેક કલાકારને ન્યાય અપાયો છે. અમે ફિલ્મનું કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે જ તમામ કલાકારોને તેમના પાત્ર વિશેની પૂરી જાણકારી આપી હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે એક પણ કલાકારે આ અંગે ફરિયાદ કરી નથી. ફિલ્મ જોયા બાદ તમે પણ કહેશો કે ફિલ્મના દરેક પાત્રને અનુરૂપ કલાકારની પસંદગી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Jethalalna Bhavada Gujarati Film: હાસ્યરસ અને પ્રેમરસની હેલી એટલે જેઠાલાલના ભવાડા
Jalso – A Family Invitation : હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનને લેવાનું કોઈ ખાસ કારણ?
આજની પેઢીને તમે નજદિકથી જોઈ હોય તો ગુજરાતી પરિવારના સંતાનો અન્ય ભાષી પરિવારો સાથે લગ્ન કરતા હોય છે. ફિલ્મમાં પણ આ વાત વણી લેવામાં આવી છે. હિતેન તેજવાનીએ અરૂણા ઇરાનીના પરિવારના નાના પુત્રની ભૂમિકા ભજવી છે અને એ વિદેશમાં રહે છે. જ્યારે ગૌરી સાથે એણે પ્રેમ લગ્ન કર્યા છે જે ગુજરાતી પરિવારની નથી.

Jalso – A Family Invitation : અરૂણા ઇરાની લાંબા અરસા બાદ ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છે, તેમનું પાત્ર કેવા પ્રકારનું છે અને ફિલ્મ માટે કેવી રીતે કન્વિન્સ કર્યાં?
જી, વાત સાચી છે કે અરૂણાજી પાંચ-છ વરસ પછી ગુજરાતી ફિલ્મ કરી રહ્યાં છે. પણ અરૂણાજી સાથે મારે વરસોથી સંબંધ રહ્યો છે. હું સહાયક તરીકે કામ કરતો ત્યારે તેમની સાથે બે ફિલ્મો કરી હતી. બીજું, આ ફિલ્મનો વિચાર કરી રહ્યો હતો ત્યારથી જ અરૂણાજી ફિલ્મી કુટુંબનાં મોભી તરીકે મારા મનમાં હતાં. ફિલ્મમાં તેઓ દાદીની ભૂમિકા ભજવી રહ્યાં છે. એક એવું પાત્ર જે ઘરના હિટલર છે અને મૉડર્ન પણ. એટલા આધુનિક વિચારો ધરાવે છે કે આજની પેઢીના જુવાનો પણ નહીં ધરાવતા હોય. આવી વિરોધાભાસી માનસિકતા ધરાવતા પાત્ર માટે અરૂણાજી એકદમ પર્ફેક્ટ છે. મેં જ્યારે તેમને વાર્તા સંભળાવી ત્યારે તેમને પણ લાગ્યું કે કમબેક માટે આનાથી સારી બીજી ભૂમિકા હોઈ ન શકે.
કોમલ નાહટા પ્રસ્તુત અને સાહબ રાજ નાહટા નિર્મિત ફિલ્મના કલાકારો છે અરૂણા ઇરાની, ધર્મેશ વ્યાસ, ભાવિન ભાનુશાળી, પૂજા જોશી, હેમંત પાંડે, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન તેજવાની, હેમાંગ દવે, ઉત્સવ નાઈક, નક્ષ રાજ, છાયા વોરા, સોનાલી દેસાઈ, મોરલી પટેલ, પદમેશ પંડિત, કુરુષ દેબુ, ઇશિકા શિરસાટ, પ્રીતિ ગોસ્વામી, હંસી પરમાર, જય પટેલ, નીરવ પટેલ અને ખાસ ભૂમિકામાં ઓજસ રાવલ. તો મલ્હાર ઠાકર પણ ફિલ્મમાં દેખા દેશે.
લોટસ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી રાજીવ રૂઇયા દિગ્દર્શિત ફિલ્મની પટકથા-સંવાદ કલ્પ ત્રિવેદીના છે. ફિલ્મ 13 જૂનના વિશ્વભરમાં રિલીઝ કરવાની યોજના છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.