News Continuous Bureau | Mumbai
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચન આજે 9મી એપ્રિલે પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. 9 એપ્રિલ 1948ના રોજ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયા ભાદુરી ના પિતા તરુણ કુમાર ભાદુરી પત્રકાર, લેખક અને કવિ હતા. સિનેમામાં તેમની રુચિને કારણે, જયા ભાદુરી એ તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી પુણેમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાં જોડાયા જ્યાંથી તેમણે તેમની ડિગ્રી મેળવી. જયા બચ્ચને તેની અત્યાર સુધીની કારકિર્દીમાં હિન્દીની સાથે સાથે કેટલીક બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનય કારકિર્દી પછી જયા બચ્ચન રાજકારણ તરફ વળ્યા, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જયા બચ્ચન એક અભિનેતા અને રાજકારણી તેમજ સ્ક્રિપ્ટ રાઇટર પણ છે.
જયા બચ્ચને લખી હતી અમિતાભ બચ્ચનની ફિલ્મની સ્ક્રિપ્ટ
વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શહેનશાહ’ તો યાદ જ હશે, આ ફિલ્મે અમિતાભ બચ્ચનને જે ખ્યાતિ અપાવી હતી તે લોકોને આજે પણ યાદ છે. ટીન્નુ આનંદ દ્વારા નિર્દેશિત શહેનશાહ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની વાર્તા હોય કે તેના સંવાદો બધા દર્શકોના પ્રિય બની ગયા હતા. ‘શહેનશાહ’ ની વાર્તા જયા બચ્ચને લખી હતી, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે. આ ફિલ્મની વાર્તા લખ્યા પછી ભલે જયાને સ્ક્રિપ્ટ રાઈટિંગમાં ખ્યાતિ મળી ન હતી, પરંતુ આનાથી એક વાત સાબિત થઈ ગઈ કે તે એક સારી લેખક પણ છે.
જયા બચ્ચન ની ફિલ્મો
જયા બચ્ચને પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મોમાં ‘ઉપહાર’, ‘ગુડ્ડી’, ‘મિલી’, ‘કોરા કાગઝ’, ‘જંજીર’, ‘અભિમાન’, ‘ચુપકે ચુપકે’ અને ‘શોલે’ જેવી ફિલ્મોના નામ સામેલ છે. જયા બચ્ચનના અંગત જીવન વિશે વાત કરીએ તો ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ જયા બચ્ચને 3 જૂન, 1973 ના રોજ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. જયા અને અમિતાભ ને બે બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન છે. જયા બચ્ચને લગ્ન અને બાળકો પછી ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. જે બાદ તે ‘ફિઝા’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આગામી સમયમાં જયા બચ્ચન ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી છે.