ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
અભિનેત્રી કંગના રનૌતને ગૃહ મંત્રાલય તરફથી વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં જ કંગના રનૌતે શિવસેના નેતા સંજય રાઉત સાથે શાબ્દિક લડાઇ કરી હતી. સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં કંગના શરૂઆતથી જ અવાજ ઉઠાવી રહી છે. સૂત્રો મુજબ, રાજ્ય સરકારની અનુશંસા પર કેન્દ્ર સરકારે થ્રેટ પરસેપ્શનના આધારે આ નિર્ણય લીધો છે. વાય શ્રેણી સુરક્ષા વ્યવસ્થા હેઠળ કુલ 11 સુરક્ષાકર્મી શામેલ હોય છે. જેમાં બે કમાન્ડો તૈનાત હોય છે. આ સુરક્ષાકર્મી ચોવીસ કલાક સાથે રહે છે. સૂત્રો મુજબ સુરક્ષાની આ જવાબદારી CRPF સંભાળી શકે છે. વાય શ્રેણીની સુરક્ષા મેળવવા અંગે કંગનાએ ટ્વીટ કર્યું, 'આ વાતનો પુરાવો છે કે હવે કોઈ ફાસીવાદી કોઈ દેશભક્તિના અવાજને કચડી શકશે નહીં. હું ગૃહમંત્રી અમિત શાહની આભારી છું. તેમણે સંજોગોને લીધે મને થોડા દિવસ પછી મુંબઇ જવાની સલાહ આપી હોત, પરંતુ તેમણે ભારતની એક પુત્રીના વચનો નું માન રાખ્યું છે, અમારા સ્વાભિમાન અને આત્મસન્માન ની લાજ રાખી, જય હિંદ.’
નોંધપાત્ર વાત એ છે કે ગત એક સપ્તાહથી કંગના અને શિવસેનાના સાંસદ સંજય રાઉતની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાને સંજય રાઉત તરફથી મુંબઈ ન આવવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા દેવાનો નિર્ણય કર્યો છે.