ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
શિવસૈનિકોના વિરોધ અને નારેબાજીની વચ્ચે કંગના રનૌત સુરક્ષિત રીતે મનાલીથી મુંબઇ પોતાના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. એરપોર્ટ પર શિવસૈનિકોએ કાળા ઝંડા ફરકાવ્યા હતા અને નારેબાજી કરી હતી. તો બીજી તરફ કંગનાના સપોર્ટમાં કરણી સેના આવી હતી. કરણી સેનાના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેઓ કંગનાને ઘરથી બહાર આવવા-જવા સુધી સુરક્ષા આપશે. જોકે, કંગનાને પહેલેથી જ કેન્દ્ર સરકારે Y કેટેગરીની સુરક્ષા આપી છે.
ઉલ્લેખનીય છે કે કંગનાની 48 કરોડની નવી ઓફિસ પર પણ બીએમસીના અધિકારીઓએ ગેરકાનૂની હોવાની નોટિસ લગાવીને તોડક કાર્યવાહી કરી હતી. પરંતુ બોમ્બે હાઇકોર્ટે વચ્ચે પડીને આ તોડક કાર્યવાહી પર રોક લગાવી છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે થોડા દિવસો અગાઉ કંગનાએ મુંબઇની તુલના POK સાથે કરી હતી. ત્યાર બાદ સત્તારૂઢ પાર્ટી શિવસેનાએ કંગનાનો વિરોધ કરવો શરૂ કર્યો હતો.
નોંધનીય છે કે કંગના મંડીથી ચંદીગઢ બાય કાર આવી હતી. ચંદીગઢમાં પણ સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો હતો અને તે પછી ચંદીગઢથી કંગના ફ્લાઇટના માધ્યમે મુંબઇ પહોંચી હતી. મુંબઈ એરપોર્ટથી કંગના સીધી પોતાના બાંદ્રા સ્થિત ઘરે આવી હતી. ઘરની આસપાસના વિસ્તારને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો. કંગનાની ફ્લાઈટ જ્યારે મુંબઈ લેન્ડ થઈ ત્યારે સૌ પહેલા કંગના તથા તેની ટીમને ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ વ્હીકલમાં બેસીને કંગનાને એરપોર્ટના બીજા ગેટમાંથી બહાર લઈ જવામાં આવી હતી.