ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
બોલિવૂડનો ડ્રગ્સ કનેક્શનનો મામલો હવે સંસદ સુધી પહોંચી ગયો છે, ગઈકાલે ભાજપના સાંસદ રવિ કિશનને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો, જેના પર રાજ્યસભાના સાંસદ અને દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચને મંગળવારે પલટવાર કરતા કહ્યું હતું કે, 'જેમણે ફિલ્મ ઉદ્યોગથી નામ કમાવ્યું છે, તેઓ જ તેને ગટર કહે છે. હું આ સાથે બિલકુલ સહમત નથી. સાથે તેમણે સરકારને અપીલ કરી છે કે આવા લોકોને આવી ભાષાનો ઉપયોગ ન કરવા કહેવું. એક સમય તેમણે આવા લોકોને કહ્યું કે 'તમે જે થાળીમાં ખાવ છો, તેમાં જ છેદ કરો છો.' ત્યારે હવે ભાજપના સાંસદ રવિ કિશને તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘જયાજી પાસેથી આવી આશા નહોતી. હું સેન્ટ્રલ હોલમાં તેમને પગે લાગુ છું. મને લાગ્યું હતું કે તેઓ સમર્થન આપશે. દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક યોજના હેઠળ ખતમ કરવામાં આવી રહી છે. જયાજીએ મારું વકતવ્ય સાંભળ્યુ જ નથી. આપણે આ ઈન્ડસ્ટ્રીને બચાવવાની છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે આ અવાજ ઉઠાવી રહ્યા છીએ તો હું ઈચ્છતો હતો કે મારા સીનિયર્સ સાથ આપે. પછી ભલે તેઓ અલગ પાર્ટીના કેમ ના હોય પણ મારા દેશના યુવાઓને બોદા કરી શકે નહીં, હું બોદા નહીં થવા દઉ પછી ભલે મારો જીવ જતો રહે.’
રવિ કિશને કહ્યું કે આ હજારો કરોડનો બિઝનેસ છે. કાલે મે અવાજ ઉઠાવ્યો અને મારા સપોર્ટની જગ્યાએ મને ઉતારી પાડવામાં આવ્યો. હું એ જ છું જ્યારે મારી પાસે એક પણ ફિલ્મ નહોતી ત્યારે જેણે કહ્યું હતું કે, 'જિંદગી ઝંડ બા ફિર ભી ઘમંડ બા'. આગળ તેમણે કહ્યું કે, ‘હું ધીરે ધીરે કરીને ઉપર આવ્યો છું. મેં થાળીમાં છેદ નથી કર્યો. હું એક સાધારણ પુરોહિતનો દીકરો છું અને કોઈ પણ સપોર્ટ વગર આજે અહીં સુધી પહોંચ્યો છું. મેં અત્યાર સુધી 650 ફિલ્મો કરી છે. હું યોગીજીનો હ્રદયપૂર્વક આભાર માનું છું. તેમણે સારું કામ કર્યું છે.’
આ દરમિયાન જ્યાં બચ્ચનના નિવેદન પર સોમવારે પોતાના ઘર, મનાલી પહોંચેલી કંગનાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ છે કે, 'જયા જી તમે આ જ વાત કહેત જો મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવે, ડ્રગ્સ આપવામાં આવે અને તેની સાથે છેડતી થઇ હોત તો? તમે આવું જ નિવેદન આપત જો અભિષેક સતત દાદાગીરી અને પજવણીની ફરિયાદ કરે અને એક દિવસ પોતાને ફાંસી પર લટકાવી દે તો શું તમે ત્યારે પણ આ જ કહેત ?? અમારા માટે પણ કરુણા બતાવો.'
જાણો શું છે સમગ્ર મામલો –
હકીકતમાં વાત જાણે એમ છે કે જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવી રહેલા નિવેદનો પર બોલિવુડની બદનામીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકસભામાં રવિ કિશન દ્વારા સોમવારે અપાયેલા નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘લોકો બોલિવુડને બદનામ કરવામાં લાગ્યા છે. અનેક દિવસથી બોલિવુડને બદનામ કરાઈ રહ્યું છે. કેટલાક એવા લોકો છે જેઓ જે થાળીમાં ખાય છે તેમા જ છેદ કરે છે. આ ખોટી વાત છે.’
