ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતી રહે છે. હવે, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર કંગનાએ પોતાના ચાહકોને ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' જોવાની સલાહ આપી છે. સાથે જ તેણે નામ લીધા વગર દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું કે, 'અમને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે જે ફિલ્મ બનાવવી હતી, તેને ડિપ્રેશનની દુકાન ચલાવનારાઓએ કોર્ટમાં લઈ ગયા હતા. મીડિયા બૅન બાદ માર્કેટિંગ કોમ્પ્લિકેશન્સને કારણે રિલીઝ પહેલા ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું હતું. આ સારી ફિલ્મ છે. આજે જ જુઓ.'
ઉલ્લેખનીય છે કે, દીપિકાની NGO 'ધ લાઈવ લવ લાફ ફાઉન્ડેશન'એ કંગનાની ફિલ્મના ટાઈટલ પર સવાલ કર્યો હતો. કંગનાની આ ફિલ્મનું નામ પહેલા 'મેન્ટલ હૈ ક્યા' હતું. NGO એ વિરોધ કરતાં કહ્યું હતું કે મેન્ટલ શબ્દનો ઉપયોગ અપમાનજનક રીતે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધ ઈન્ડિયન સાઈકેટ્રિક સોસાયટીના ડૉક્ટર્સે પણ નામ પર વાંધો ઉઠાવ્યો હતો અને સેન્સર બોર્ડના પ્રમુખ પ્રસૂન જોષીને ફરિયાદ કરી હતી. સાઈકેટ્રિક સોસાયટીએ કહ્યું હતું કે ફિલ્મના ટાઈટલમાં માનસિક વિકારનો સામનો કરતાં લોકોની મજાક ઉડાવવામાં આવી છે.
જોકે વિવાદ વધતા મેકર્સે ફિલ્મનું ટાઈટલ 'જજમેન્ટલ હૈ ક્યા' કર્યું હતું. કંગના તથા રાજકુમાર રાવની આ ફિલ્મ 26 જુલાઈ, 2019ના રોજ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે 33 કરોડની કમાણી કરી હતી.
