ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સુધરે તે માટે દેશભરના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. લતા મંગેશકર તાજેતરમાં જ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા ત્યાર પછી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી લતા મંગેશકર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેવામાં લતા મંગેશકરના સત્તાવાર ટ્વિટર પરથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં ચાહકોને લતા દીદીના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે લતા મંગેશકરની તબિયત માં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ડોક્ટર હજુ પણ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે. આજે સવારે ટ્રાયલ રૂપે તેમનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે, પણ તેમને ડૉક્ટર પ્રતીત સમદાનીની આગેવાની હેઠળ ડૉક્ટરોની ટીમના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. લતા દીદી માટે પ્રાર્થના કરનારા અને તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના કરનારા સૌનો અમે આભાર માનીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે લતા મંગેશકરની હાલત કથળતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખોટા સમાચાર ફેલાવાથી લોકો હેરાન થાય છે. દીદીની હાલત સ્થિર છે મહેરબાની કરી પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઇ જલ્દી ધરે પરત ફરે…