News Continuous Bureau | Mumbai
Lawrence of Punjab। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) જીવન પર આધારિત Zee5 ની અપકમિંગ ડોક્યુસીરીઝ ‘લોરેન્સ ઓફ પંજાબ’ (Lawrence of Punjab) છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ સીરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મેકર્સને મોટી રાહત આપી છે. કોર્ટે કેટલીક શરતો સાથે આ સીરીઝને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે, જેનાથી મેકર્સને મોટી શાંતિ મળી છે.
હાઈકોર્ટની શરત: નામ બદલવું અનિવાર્ય
હાઈકોર્ટે સીરીઝને રિલીઝ કરવાની પરવાનગી તો આપી છે, પરંતુ મેકર્સ સામે એક કડક શરત મૂકી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે સીરીઝના ટાઈટલમાંથી ‘લોરેન્સ’ અને ‘બિશ્નોઈ’ શબ્દો હટાવવા પડશે. મેકર્સ હવે નવા નામોની યાદી કોર્ટમાં રજૂ કરશે અને મંજૂરી મળ્યા બાદ જ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી શકાશે. પંજાબ સરકારે ટાઈટલમાંથી ‘પંજાબ’ શબ્દ હટાવવાની પણ માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે (High Court) આ માંગને ફગાવી દીધી હતી.
કોંગ્રેસ નેતાએ પીએમ મોદીને લખ્યો હતો પત્ર
આ વિવાદિત સીરીઝને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે આ સીરીઝનો સખત વિરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીરીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે આવી સીરીઝ પંજાબની છબી ખરાબ કરે છે અને યુવાનો પર તેની નકારાત્મક અસર પડી શકે છે. ગેંગસ્ટર કલ્ચરને (Gangster Culture) ગ્લોરિફાય કરતા કન્ટેન્ટ સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
શું હશે સીરીઝનું નવું નામ?
હવે સૌની નજર એ વાત પર છે કે મેકર્સ આ ડોક્યુ-સીરીઝનું નવું નામ શું રાખશે. કોર્ટના આ નિર્ણયને સંતુલિત ગણવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ અભિવ્યક્તિની આઝાદી જળવાઈ રહી છે તો બીજી તરફ વિવાદિત નામોના ઉપયોગ પર રોક લગાવીને સાવચેતી રાખવામાં આવી છે. આ ડોક્યુ-સીરીઝ Zee5 પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે અને તેના નવા નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી અપેક્ષા છે.