ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022
શનિવાર
પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ગર્લફ્રેન્ડ કિમ શર્મા સાથેની પોતાની તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે મામલો તેની એક્સ ગર્લફ્રેન્ડ રિયા પિલ્લઈ સાથે જોડાયેલો છે. લિએન્ડરને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અભિનેત્રી-મૉડલ રિયા પિલ્લઈ સામે ઘરેલુ હિંસા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.રિયા પિલ્લઈએ વર્ષ 2014 માં લિએન્ડર પેસ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. રિયાએ ઘરેલુ હિંસાથી રાહત અને સુરક્ષાની માંગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આઠ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. કોર્ટે તેને 1 લાખ રૂપિયાના ભરણપોષણ ઉપરાંત દર મહિને 50,000 રૂપિયાનું ભાડું ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
રિયા પિલ્લઈ બોલીવુડ અભિનેતા સંજય દત્તની પૂર્વ પત્ની રહી ચુકી છે. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને પછી વર્ષ 2008માં બંનેના છૂટાછેડા થઈ ગયા. જોકે, સંજય અને રિયાના છૂટાછેડા પહેલા જ પેસ સાથે રિયાનું અફેર શરૂ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે પેસ બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધીરને પણ ડેટ કરી ચૂક્યો છે.
આ દિવસોમાં લિએન્ડર પેસ બોલિવૂડ અભિનેત્રી કિમ શર્માને ડેટ કરી રહ્યો છે. બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે અને ત્યારથી આ કપલ સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો શેર કરી રહ્યું છે. થોડા સમય પહેલા આ કપલ એકસાથે ડિઝનીલેન્ડ ગયા હતા અને તેમની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ સિવાય કિમે તેનો જન્મદિવસ પણ તેની સાથે સેલિબ્રેટ કર્યો હતો.