ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
બૉલીવુડ કવિન અભિનેત્રી કંગના રનૌત અને મુંબઇ પોલીસ, બીએમસી તથા રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં સતત વધારો થઇ રહ્યો છે. કંગના રનૌત સામે ડ્રગ્સ કેસમાં તપાસ થશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસને તપાસની જવાબદારી સોંપી દીધી છે. મુંબઈ પોલીસને આ મામલે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ઓફિશિયલ લેટર પણ મળ્યો છે. મુંબઈ પોલીસ હવે એ વાત પર નિર્ણય નથી લઈ શકી કે કંગના ડ્રગ્સ કેસ મામલાની તપાસ SITને આપવી કે પછી એન્ટી નાર્કોટિક્સ સેલને.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતની સામે ડ્રગ્સ કેસનો મામલો ઉઠાવ્યો હતો. તેઓએ કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઈન્ટરવ્યુના આધારે આ મામલો ઉઠાવ્યો હતો. જેમાં અધ્યયન સુમને કંગના ડ્રગ્સ લેવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે કંગનાએ તેને પણ જબરદસ્તી ડ્રગ્સનું સેવન કરાવ્યું હતું.
તો હવે મહારાષ્ટ્ર સરકારના આ એક્શન પર સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગનાએ પણ રિઍક્શન આપ્યું છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પ્લીઝ મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડની તપાસ કરો. જો તમને ડ્રગ્સ પેડલરને લઈ કોઈ લિંક મળશે તો હું મારી ભૂલ માની લઈશ અને હંમેશા માટે મુંબઈ છોડી દઈશ.’