ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધતો જાય છે. કંગનાની મુંબઇ ઓફિસ પર બીએમસીની નોટિસ ફટકાર્યા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ મામલે તપાસ કરશે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ તપાસ અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ આ કેસની તપાસ કરશે. નોંધપાત્ર વાત છે કે, શિવસેનાના નેતા સુનિલ પ્રભુ અને પ્રતાપે અધ્યયન સુમનના જુના ઇન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી દીધી છે. જેમાં અધ્યયન સુમને આરોપ લગાવ્યો છે કે કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ જબરજસ્તી સેવન કરાવ્યું હતું. ત્યારબાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ કંગના રનૌત મનાલીથી મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે. કંગના રનૌતે ડ્રગ્સ મામલાની તપાસ મુદ્દે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ કંગના રનૌત સાથે જોડાયેલી ડ્રગ લિંક્સની તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા એ કહ્યું હતું કે કેટલાક વીડિયો બહાર આવ્યા છે જેમાં કંગનાએ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સ લે છે. જો એમ છે, તો પછી કોણ તેમને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એનસીબી આ મામલાની તપાસ કરી રહી છે અને તેણે કંગનાને લગતા કેસની પણ તપાસ કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કંગનાના પૂર્વ સહયોગીઓએ ખુલાસો કર્યો છે કે, તે કોકેનનું પણ સેવન કરે છે અને જો ખરેખર તે વાત સાચી છે તો NCB આ મામલાની પૂછપરછ કરશે.