News Continuous Bureau | Mumbai
Mirzapur The Movie Teaser Out ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ધૂમ મચાવનારી ભારતની સૌથી પોપ્યુલર અને આઇકોનિક વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા એટલે કે થિયેટરોમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મેકર્સે ચાહકોની આતુરતાનો અંત આણતા ‘મિર્ઝાપુર ધ મૂવી’ (Mirzapur The Movie) નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દીધું છે. ટીઝર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે, જેમાં કાલીન ભૈયા, ગુડ્ડુ પંડિત અને ચાહકોના સૌથી વ્હાલા ‘મુન્ના ભૈયા’ ના ખતરનાક અંદાજે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
Mirzapur The Movie Teaser Out – મિર્ઝાપુરની ગાદી માટે જૂની સ્ટારકાસ્ટ વચ્ચે જંગ અને નવા પાત્રોની એન્ટ્રી
આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને પુનીત ક્રિષ્નાએ તેની વાર્તા લખી છે. ટીઝરમાં પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત) અને દિવ્યેન્દુ (મુન્ના ભૈયા) અત્યંત ખૂંખાર અવતારમાં જોવા મળી રહ્યા છે. વેબ સિરીઝની જેમ જ આ ત્રણેય પાત્રો વચ્ચે મિર્ઝાપુરની ગાદી મેળવવા માટે લોહિયાળ જંગ ખેલાશે. ટીઝરમાં અલી ફઝલ અને દિવ્યેન્દુ જબરદસ્ત એક્શન સિક્વન્સ કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ‘પંચાયત’ ફેમ જીતેન્દ્ર કુમાર અને ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની નવી સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે, જેમની ભૂમિકા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
Mirzapur The Movie Teaser Out – વિક્રાંત મેસીના સ્થાને જીતેન્દ્ર કુમાર બબલુ પંડિતના રોલમાં દેખાશે તેવી અટકળો
ટીઝર જોઈને ચાહકોમાં એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે જીતેન્દ્ર કુમાર આ ફિલ્મમાં ‘બબલુ પંડિત’ ના જૂના પાત્રમાં જોવા મળી શકે છે, કારણ કે આ આખા ટીઝરમાં ક્યાંય પણ વિક્રાંત મેસી જોવા મળ્યો નથી. ટીઝરમાં એક્શન સિવાય સંવાદો પણ ખૂબ પાવરફુલ છે, જેમાં પંકજ ત્રિપાઠીનો ડાયલોગ – “કાબિલ ઓલાદ બહુ મુશ્કેલથી મળે છે અને ક્યારેક નથી પણ મળતી” ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય રવિ કિશનનો એક સીન છે જેમાં તે એક લોહીલુહાણ શખ્સ પર નમક (મીઠું) છાંટતા કહે છે – “અમે ક્યારે કહ્યું કે નમક જમવામાં જ નાખવાનું હોય છે.” આ સીન દર્શકોના રૂંવાડા ઊભા કરી દે તેવો છે.
Mirzapur The Movie Teaser Out – એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ ૪ સપ્ટેમ્બર ૨૦2૬ ના રોજ થશે રિલીઝ
આ ફિલ્મનું નિર્માણ એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ રીતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મની કાસ્ટ ઘણી મોટી છે, જેમાં શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, અભિષેક બેનર્જી, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા ગૌર, સુશાંત સિંહ, શીબા ચઢ્ઢા અને કુલભૂષણ ખરબંદા જેવા સિરીઝના ઓરિજિનલ કલાકારો પોતાની અદાકારીનો જાદુ પાથરશે. આ સાથે જ સોનલ ચૌહાણ અને પ્રમોદ પાઠક પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે સત્તાવાર જાહેરાત કરી છે કે ‘મિર્ઝાપુર ધ મૂવી’ ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ દેશભરના સિનેમાઘરોમાં હિન્દી સહિત અન્ય ભાષાઓમાં ધમાકેદાર રીતે રિલીઝ કરવામાં આવશે.
👉 આ સમાચાર વાચો:
Samantha Ruth Prabhu Pregnancy News સામંથાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા ગૂડ ન્યૂઝ, માતા બનવાની જાહેરાત સાથે લીધો આ મોટો નિર્ણય