News Continuous Bureau | Mumbai
સલમાન ખાનને ફરીથી ઈ-મેલ દ્વારા ધમકી મળી છે. આ વખતે તેમને મેઈલ કરીને કહેવામાં આવ્યું કે તમારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે. સલમાનને આ ધમકી એક-બે દિવસ પહેલા જ મળી છે. મોટી વાત એ છે કે આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ પણ કરી છે.
મુંબઈ પોલીસે કરી ધરપકડ
સલમાન ખાનને તાજેતરમાં ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી. આ પછી તેના ઘરની બહાર સુરક્ષા પણ કડક કરવામાં આવી હતી. પરંતુ નજીકના મિત્રોની વાત માનીએ તો સલમાનને આ ધમકીઓ થી કોઈ ફરક પડતો નથી . તેને જીવન મુક્તપણે જીવવું ગમે છે.જો કે હજુ સુધી આ કેસમાં પોલીસ એકપણ આરોપીને પકડી શકી નથી. પરંતુ આ વખતે ધમકી આપનાર વ્યક્તિ ની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે 21 વર્ષીય ધાકડ રામ વિશ્નોઈ ની જોધપુરથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હેઠળ આ ધરપકડ કરી છે.આ આરોપીએ અગાઉ દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલા ના પરિવારને પણ ધમકી આપી હતી, જેની તપાસ પંજાબ પોલીસ કરી રહી છે. પંજાબ પોલીસ પણ જોધપુર પહોંચી ગઈ હતી. મુંબઈ પોલીસ દ્વારા તપાસ બાદ તેને પંજાબ પોલીસને સોંપવામાં આવી શકે છે.
ગોલ્ડી બ્રારે આપી હતી ધમકી
સલમાન ખાનને એક અઠવાડિયા પહેલા ઈ-મેલ દ્વારા બીજી ધમકી મળી હતી. સલમાન ને ફરી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ધમકી આપી હતી. 18 માર્ચે, સલમાનના મેનેજર ને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેને અભિનેતા સાથે વાત કરવાનું કહ્યું હતું. આ મેલ રોહિત ગર્ગના નામે મોકલવામાં આવ્યો હતો.ઈ-મેલ મળ્યા બાદ સલમાન ખાનના મેનેજરે બાંદ્રા પોલીસમાં લોરેન્સ બિશ્નોઈ, રોહિત ગર્ગ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં ત્રણેયના નામે એફઆઈઆર નોંધી છે. બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.