ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
કલર્સ ટીવી ચેનલના સીરીયલ ‘નાગિન 5’ ના જાણીતા અભિનેતા શરદ મલ્હોત્રા કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનામાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળ્યાં હતા. જે બાદ તેમણે ડોક્ટર્સનો સંપર્ક સાધ્યો હતો અને તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યાં બાદ તેમણે પોતાને હોમ ક્વોરંટિન કરી લીધો છે. જોકે રાહતની વાત એ છે કે તેની પત્ની રિપ્સી ભાટિયા નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
અભિનેતા શરદ મલ્હોત્રાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. શરદે જણાવ્યું કે, ‘જો આપ પોઝિટિવ બન્યા રહેશો તો લોકો આપની તરફ આકર્ષિત થવા લાગે છે. મે આ લાઇનને કંઇક વધારે જ ગંભીરતાથી લીધી હતી. દુર્ભાગ્યપૂર્ણ મારામાં કોવિડ 19નાં હળવા લક્ષણ જોવા મળ્યા છે.’ તેણે વધુમાં કહ્યું કે, ‘રાહતની વાત એ છે કે મારી પત્નીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. સાથે જ ડોક્ટરની દેખરેખમાં હું હોમ ક્વૉરન્ટીન છું.’ સાથે તેણે લોકોને અપીલ કરી છે કે, મારા માટે પ્રાર્થના કરો. હું જલદી જ મજબૂતી સાથે પરત ફરું.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં, શરદ મલ્હોત્રાનાં ખાસ મિત્ર વિકાસ કલંત્રી અને તેની પત્ની પ્રિયંકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ વિકાસ કલંત્રીએ કર્યો હતો. કોરોના ટેસ્ટ કરાવવાનાં ઠીક પહેલાં વિકાસ કલંત્રી અને તેની પત્ની શરદ મલ્હોત્રા અને રિપ્સીને મળ્યાં હતાં. આ મુલાકાતને કારણે જ શરદ મલ્હોત્રા કોરોનાની ચપેટમાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.