ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બૉલિવુડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપકુમારની પત્ની સાયરાબાનુ છેલ્લા ચાર દિવસથી મુંબઈની હિન્દુજા હૉસ્પિટપલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ થયા બાદ તેમના પરિજનોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. સાયરાબાનુની ખરાબ તબિયતથી તેમના ફેન્સ પરેશાન છે અને સતત તેમનાં સાજાં થવાની કામના કરી રહ્યા છે. તેમના ડૉક્ટર્સે પણ કહ્યું છે કે સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
સાયરાબાનુનો ઇલાજ કરી રહેલા ડૉક્ટર નીતિન ગોખલેએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. તેમનું ડાબું વેટ્રિકુલર ફેલ થઈ ગયું છે. આ કારણે તેમની એન્જિયોગ્રાફી થશે અને બાદમાં ઇલાજ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે તેમને ICUમાંથી બહાર લાવી નૉર્મલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.
ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ તેમજ ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું થયું દુઃખદ નિધન, ચાહકોમાં શોકની લાગણી; જાણો વિગતે
વધુમાં નીતિન ગોખલેએ જણાવ્યું કે એન્જિયોગ્રાફી તેમના સમય પર જ કરવામાં આવશે. પણ આ પહેલાં સાયરાબાનુને ડિસ્ચાર્જ કરવામાં આવશે અને તેમની એન્જિયોગ્રાફી માટે તેમને ફરી ઍડમિટ થવું પડશે, પણ આ માટે પહેલાં ડાયાબિટીઝ કન્ટ્રોલમાં કરવું જરૂરી છે.
76 વર્ષીય સાયરાબાનુ છેલ્લાં 54 વર્ષથી દિલીપકુમારની સાથે તેમના પડછાયાની જેમ રહ્યાં છે. તેમના નિધન બાદ તે એકલાં થઈ ગયાં છે. બે મહિના પહેલાં 7 જુલાઈના દિલીપકુમારના નિધનથી તેમના લાખો ચાહકો દુ:ખી હતા. સૂત્રો મુજબ, દિલીપસાહેબના નિધન બાદ સાયરાબાનુ ઘણાં ગુમસુમ રહેવા લાગ્યાં છે. તેમને સતત દિલીપસાહેબની યાદ આવે છે અને તેઓ પરિવાર સાથે ફક્ત અને ફક્ત દિલીપકુમાર અંગે જ વાતો કરે છે.