ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈની બાંદ્રા કોર્ટે બંનેના સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. અભિનેત્રી કંગના અને તેની બહેન રંગોલી પર ટ્વીટ્સ અને ઇન્ટરવ્યુ દ્વારા ‘કોમી દ્વેષ’ ફેલાવવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ફરિયાદ મુંબઈ, બાંદ્રાના બે વ્યક્તિઓએ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજી કહેવામાં આવ્યું છે કે બંને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં ઝગડો ઉભો કરવાનો પ્રયાસ કરે છે. તેમનું કહેવું છે કે કંગના બંને સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપે છે. અરજીમાં વધુ કહેવામાં આવ્યું છે કે તે સતત વાંધાજનક ટ્વીટ્સ કરતી રહે છે, જેનાથી ધાર્મિક ભાવનાઓને જ ઠેસ નથી પહોંચતી, પરંતુ ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકો પણ આને કારણે દુ:ખી થાય છે.
અરજકર્તાઓએ કંગનાના ઘણા બધા ટ્વીટ્સ પણ કોર્ટ સમક્ષ રાખ્યા હતા. આ એફઆઇઆરમાં આઈપીસીની કલમ 295 A, 153 A, 124 અને 34 સમાવેશ કરવામાં આવી છે. એફઆઈઆર પછી કંગનાની પૂછપરછ કરવામાં આવશે અને જો કંગના સામે પાકા પુરાવા મળશે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.
હકીકતમાં, બાંદ્રા પોલીસ મથકે કંગના સામે ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ અરજદારે આ કેસમાં તપાસ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રિય કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોને નિશાન બનાવતા હોવાના આક્ષેપને લઈને કર્ણાટક પોલીસે તેના પર એફઆઈઆર નોંધી હતી.