ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્લ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અભિનેતા અર્જુન રામપાલના મુંબઈ સ્થિત ઘર પર દરોડો પાડ્યો છે. એનસીબીની એક ટીમે અર્જુન રામપાલના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એનસીબીના સૂત્રો મુજબ, અર્જુન રામપાલના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે ડ્રગ્સના કેસમાં અનેક મોટા બૉલીવુડ સ્ટારની સાથે અર્જુન રામપાલનું નામ પણ ઉછળી ચૂક્યું છે.
આ પહેલા એનસીબીએ ડ્રગ્સ ખરીદવા અને લે-વેચ કરવાના ગુનામાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડિમોટ્રિએડ્સના ભાઈ અગિસિયાલોસને ફરી એકવાર ઝડપી પાડ્યો છે. અહેવાલ છે કે અગિસિયાલોસને કેસમાં જામીન મળી ગઈ હતી. ત્યારબાદ એનસીબીએ તેની ફરીથી ધરપકડ કરી લીધી છે આ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદની એક અન્ય મામલામાં પણ ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, એનસીબીએ શનિવારે મુંબઈના ચાર અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કોમર્શિયલ ક્વોન્ટિટીમાં ગાંજો, ચરસ અને એક અન્ય ડ્રગ જપ્ત કરવામાં આવી હતી. શનિવાર સાંજની કાર્યવાહી બાદ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની હાલ તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે.
