ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ માં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ફોરેન્સિક તપાસ માટે 15 મોબાઈલ ફોનને ગાંધીનગરના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સમાં મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમાંના ઘણા ફોન ડ્રગ પેડલર્સ અને બોલિવૂડ સેલેબ્સના છે.
ઉલ્લેખનીય છે કે નાર્કોટીક કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ડ્રગ કાંડની તપાસ સમયે જે ડ્રગ-ચેટ જાહેર કરી હતી તેની વધુ તપાસ માટે આ ફોન કબ્જે કર્યા હતા. જેના હવે ચેટ તથા ડેટા-ફોટા અને ડીલીટ કરાયેલી માહિતી વિ. ફોરેન્સીક લેબ રીકવર કરશે અને તેના આધારે નાર્કોટીક બ્યુરોને તેનો રીપોર્ટ આપશે. સાથે કોઈ ડેટા સાથે ચેડા ન થાય કે થયા નથી તે અભ્યાસ કરાશે અને તેનો એક એવો રીપોર્ટ તૈયાર કરાશે જે અદાલતી પુરાવા તરીકે માન્ય રહી શકે.
આપને જણાવી દઈએ કે, આ તમામ પર ખુદ ડ્રગ લેતા હોવાના અને ડ્રગ ખરીદતા હોવાની શંકા છે. નાર્કોટીક બ્યુરો બોલીવુડમાં જે ડ્રગ કાંડ છે તેની પુરી તપાસ કરવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની ડીટેલ રિપોર્ટ સામે આવ્યા બાદ એનસીબી ફરી આ કેસની તપાસમાં ગતિ પકડી શકે છે.
નોંધનીય છે કે, સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી આ એજન્સીએ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક પણ શામેલ છે. જોકે નોંધપાત્ર વાત એ છે કે થોડા દિવસ અગાઉ જ રિયાને જામીન મળી ગયા હતા અને હાલ તે જેલની બહાર છે, જ્યારે કે તેનો ભાઈ શોવિક હજુ જેલમાં બંધ છે.
