ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ થઇ રહી છે. આ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણી સેલિબ્રિટીના નામોનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે એનસીબી દ્વારા દીપિકા પાદુકોણ, રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ બાદ આ એક્ટ્રેસોની પુછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી આ મામલે હજુ સુધી કોઈ એક્ટરનું નામ સામે આવ્યું નથી. જો સૂત્રોનું માનીએ તો એનસીબી બોલીવુડના એક્ટર પર સિકંજો કસવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર સાત મોટા ફિલ્મ સ્ટાર્સ અને બોલીવુડના કેટલાક ટોચના નિર્માતાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં કબજે લેવામાં આવતા ડ્રગના અનેક વેપારીઓની પૂછપરછ દરમિયાન આ ટોચના સ્ટાર્સના નામ સામે આવ્યા છે.
એનસીબી હવે એ લિસ્ટ એક્ટરો વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યું છે. પૂરતા પુરાવા બાદ જ મોટા સ્ટાર્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે. આ પરથી કહી શકાય કે, આ મામલે જલ્દી જ અભિનેતાઓનો નંબર આવી શકે છે. એનસીબી હાલ તો ઇનપુટ્સ પર કામ કરી રહી છે. આ સાથે જ એનસીબી દ્વારા દીપિકા પાદુકોણના ફોનમાંથી ડીલીટ કરેલો ડેટા પણ રિકવર કરશે. તો બીજી તરફ રિયા ચક્રવર્તી પણ જેલમાં છે. કોર્ટ દ્વારા તેની જામીન અરજી 2 વાર ફગાવી દેવામાં આવી છે. એનસીબીએ સોમવારના બૉમ્બે હાઈકોર્ટમાં આપેલા પોતાના એક એફિડેવિટમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે એનસીબી દ્વારા અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક, સેમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંત ઉપરાંત અનેક આરોપી ડ્રગ્સ પેડલર્સ અને ધર્મા પ્રોડક્શન્સના પૂર્વ આસિસ્ટંટ ડાયરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની ધરપકડ કરવમાં આવી છે