ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-12’ સમાપ્ત થઈ ચૂક્યો છે.આ સાથે, શોને તેનો વિજેતા પણ મળી ગયો છે. ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજન ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના જાદુઈ પ્રદર્શનથી સમગ્ર દેશનું દિલ જીતીને આ સિઝનમાં વિજેતા બન્યા છે. ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યો હતો. 'ઇન્ડિયન આઇડલ'ના ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું, જ્યારે એક એપિસોડ સંપૂર્ણ 12 કલાક સુધી ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. સંગીતની આ મહાન લડાઈમાં છ મહારથીઓ વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી હતી. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તોરો, સાયલી કાંબલે, મોહમ્મદ દાનિશ અને સન્મુખપ્રિયા આ બધા વચ્ચેની સ્પર્ધા માં છેવટે પવનદીપે બાજી મારી. આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યો તેમને ટેકો આપવા આવી પહોંચ્યા હતા. એ ઉપરાંત અનુ મલિક, સોનુ કક્કર, હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર સાનુ, વિશાલ દાદલાણી, મિકા સિંહ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જય ભાનુશાળી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને જાવેદ અલીએ પણ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો. શો જીતવા પર પવનદીપને 25 લાખ રૂપિયા અને એક વૈભવી કાર સાથે ટ્રૉફી મળી છે.
અક્ષયકુમારને લોકોએ જોયો આ સ્ત્રીમાં, પહેલી નજરે, તમે પણ છેતરાઈ ન જાવ