ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ, 2021
મંગળવાર
બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમૅન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને એને કેટલીક ઍપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચને મુંબઈમાં અશ્લીલ ફિલ્મ બનાવવા અને એને કેટલીક ઍપ્સ પર દેખાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આગળ જણાવ્યું હતું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રથમ વાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે આ પહેલાં પણ વિવાદોને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. મીડિયા રિપૉર્ટ પ્રમાણે પોલીસે બે FIR દાખલ કરી છે અને આ મામલામાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સૉફ્ટ પૉર્ન ફિલ્મ શૂટિંગ રૅકેટ કેસમાં ઍક્ટ્રેસ-મૉડલ ગેહના વશિષ્ઠની ધરપકડ 7 ફેબ્રુઆરી, રવિવારના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉમેશ કામત નામની વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવી હતી. આ વ્યક્તિ વિદેશમાં આવેલા સર્વર પર પૉર્ન વીડિયો અપલોડ કરતી હતી. આ પૉર્ન ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થતું હતું અને વિદેશમાં વીડિયો ક્યારે અને કેવી રીતે અપલોડ કરાવવાનો છે, એ જોવાનું કામ ઉમેશ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ગેહનાને પ્રત્યેક વીડિયો માટે બેથી અઢી લાખ રૂપિયા મળતા હતા, જેમાંથી તે એક લાખ રૂપિયા કલાકારો, એડિટર, કૅમેરામૅનને આપતી. એકથી દોઢ લાખ રૂપિયાનો નફો થતો હતો. ગેહનાએ કથિત રીતે 87 પૉર્નોગ્રાફી વીડિયો શૂટ કર્યા છે.
અત્રે નોંધનીય છે કે સૌથી પહેલા સૉફ્ટ પૉર્નોગ્રાફી મુદ્દે રાજ કુન્દ્રાનું મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેટમેન્ટ લીધું હતું. 26 માર્ચે આ મુદ્દે એકતા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું. આ અગાઉ શેર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેમને ઍડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા છે. તેણે શેર્લિન ચોપડાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ આપ્યું હતું. આવા 15-20 પ્રોજેક્ટ શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા માટે કર્યા હોવાનો દાવો છે.
