News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં જ પાપારાઝી પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આલિયા ભટ્ટના ઘરમાં તેનો પ્રાઇવેટ ફોટો ક્લિક કરવા બદલ પાપારાઝીને ઠપકો આપવામાં આવ્યો હતો. જ્યારે આલિયા તેના લિવિંગ રૂમમાં હતી, ત્યારે પડોશીના ટેરેસ પરથી બે લોકો તેની તસવીર લઇ રહ્યા હતા. આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ઘટના અંગે એક મોટી નોંધ પણ લખી હતી. હવે રણબીર કપૂર તેની પત્ની આલિયાની પ્રાઈવસી મામલે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યો છે. રણબીર કપૂરે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે અને તે હાલમાં આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યો છે.
રણબીર કરશે કાનૂની કાર્યવાહી
રણબીર કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ ઘટના ખૂબ જ ખરાબ હતી. આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તમે મારા ઘરમાં ‘શૂટ’ નહીં કરી શકો. મારા ઘરની અંદર કંઈપણ થઈ શકે છે. એ મારું ઘર છે. આ બિલકુલ ખોટું હતું. અમે આ સમગ્ર મામલે યોગ્ય કાયદાકીય માધ્યમથી કાર્યવાહી કરી રહ્યા છીએ. જોકે, રણબીરે આ વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જે થયું તે ખૂબ જ શરમજનક હતું. અમે પાપારાઝી નો આદર કરીએ છીએ. હું માનું છું કે પાપારાઝી અમારી દુનિયા નો એક ભાગ છે. તેઓ અમારા માટે કામ કરે છે અને અમે તેમના માટે કામ કરીએ છીએ. પરંતુ આવી વસ્તુઓ કરવી ખૂબ જ શરમજનક છે.’
આલિયાએ શેર કરી હતી સ્ટોરી
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક મીડિયા હાઉસ દ્વારા લેવામાં આવેલ ફોટો શેર કર્યો અને લખ્યું, ‘શું આ મજાક છે. હું મારા ઘરમાં સામાન્ય દિવસોની જેમ બપોરે મારા લિવિંગ રૂમમાં બેઠી હતી. અચાનક મને લાગ્યું કે કોઈ મારી સામે જોઈ રહ્યું છે. મેં ઉપર જોયું અને મારી પડોશી બિલ્ડિંગની છત પર બે માણસો કેમેરા વડે મને શૂટ કરી રહ્યા હતા. આલિયાએ લખ્યું હતું કે આ કઈ દુનિયામાં થાય છે અને તમને તેની પરવાનગી કોણે આપી છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આલિયાની પ્રાઈવસીનું સમર્થન કર્યું હતું. કરણ જોહર, અર્જુન કપૂર, અનુષ્કા શર્માથી લઈને સ્વરા ભાસ્કર સુધી, બોલિવૂડ સ્ટાર્સે પાપારાઝી ને પ્રાઈવસીની મર્યાદા હોવાની વાત કરી છે.
 
			         
			         
                                                        