ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
દેશની પ્રખ્યાત ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. પત્રકાર ગોસ્વામી પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર આરોપ છે. ઉલ્લેખનીય છે કે ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી હતી.
આ મામલે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, આજ્ઞા નાઇકે મને ફરિયાદ કરી હતી કે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક દ્વારા બાકી રકમ ન આપવાના કારણે તેના પીતા અને દાદીએ મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી અને અલીબાગ પોલીસે તેની તપાસ નહોતી કરી. આગળ તેમણે કહ્યું હતું કે મેં આ મામલાની તપાસ સીઆઇડી પાસે કરાવવાનો આદશે આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રિપબ્લિક ટીવી અને બે અન્યની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો.
તો બીજી તરફ અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. માહિતી મુજબ રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફુટેજ પણ દેખાડ્યા જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઝપાઝપી થતા દેખાઈ રહી છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અર્નબની ધરપકડની નિંદા કરી છે અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન જાવડેકરે ટ્વીટ કરી કહ્યું છે કે,‘અમે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પર થયેલ આ હુમલાની નિંદા કરીએ છીએ. આ પ્રેસ સાથે યોગ્ય વર્તન નથી. આ કટોકટીના એવા દિવસોની યાદ અપાવે છે જ્યારે મીડિયા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.’
શું છે સમગ્ર મામલો??
આ 2018 ની વાત છે, જ્યારે મે 2018 માં અલીબાગમાં 53 વર્ષીય ઇન્ટીરીયર ડિઝાઇનર અને તેની માતાએ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જે કથિત રીતે ઇન્ટીરીયર ડિઝાઇનરે લખી હતી. આ સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે અર્ણબ ગોસ્વામી અને અન્ય બે લોકોએ તેમને 5.40 કરોડ ચૂકવ્યા નથી, જેના કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે.
