ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલામાં ફરી એક વાર નવો વળાંક આવ્યો છે. આ મામલે મુખ્ય આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સિંહ અને અન્ય એક વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ દાખલ કરી છે. રિયાએ સુશાંત સિંહ રાજપૂત માટે ખોટા મેડિકલ દસ્તાવેજના મામલે સુશાંતની બહેન સામે ફરિયાદ નોંધાવી છે.
રિયા ચક્રવર્તીની આ ફરિયાદ સુશાંત અને તેની બહેન વચ્ચે 8 જૂનના રોજ થયેલી વોટ્સએપ ચેટને લઈને આવી છે. આ વૉટ્સએપ ચેટથી ખબર પડે છે કે, સુશાંતની બહેન પ્રિયંકા અઠવાડીયા સુધી લિબ્રિયમ અને નેક્સિટો અને લોનાજેપ લેવા માટે કહ્યુ હતું. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના 14 જૂને થયેલા મોત બાદ અભિનેતાનો પરિવાર રિયા ચક્રવર્તી ઉપર અલગ-અલગ આરોપ લગાવી રહ્યું છે. જ્યારે રિયા પણ સુશાંતના પરિવાર પર અલગ-અલગ આરોપ લગાવી રહી છે. સુશાંતના પિતાની ફરિયાદ બાદ સીબીઆઈ, ઈડી અને એનસીબી આ મામલે તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે આ અગાઉ સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી સોમવારે સતત બીજા દિવસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સમક્ષ હાજર થઈ હતી. રિયાની રવિવારે એનસીબીના અધિકારીઓ દ્વારા છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અને ફરીથી હાજર થવા જણાવ્યું હતું. 28 વર્ષની અભિનેત્રી આજે (સોમવારે) સવારે 9.30 વાગ્યે એનસીબી ઓફિસ પહોંચી હતી.
