ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
પવન ક્રિપલાનીની હૉરર-કૉમેડી, 'ભૂત પોલીસ'માં અર્જુન કપૂર, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેક્લિન ફર્નાન્ડીઝની જોડી છે. લાંબી રાહ જોયા બાદ મેકર્સે બુધવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. જેમાં સૈફ વિભૂતિ નામના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જ્યારે અર્જુનના પાત્રનું નામ ચિરોનજી, યામી માયા છે, જ્યારે જેક્લિન કનિકાનું પાત્ર ભજવી રહી છે. આ ચારેય કલાકારો પ્રથમ વખત કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે આ કલાકાર પણ પહેલી વાર આ અવતારમાં દેખાઈ રહ્યા છે.
ફિલ્મના ટ્રેલરમાં એક પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વિભૂતિ અને ચિરોનજીને દુષ્ટ શક્તિઓ સામે લડવામાં મદદ કરે છે. શરૂઆતમાં તે ભૂતને માત્ર એક અફવા માને છે, પરંતુ જ્યારે તે માયા અને કનિકાને મળે છે ત્યારે તે ભૂતનો સામનો કરે છે. કૉમેડી સાથે ટ્રેલરમાં ભયાનક દૃશ્યો પણ જોવા મળે છે. 'ભૂત પોલીસ' 17 સપ્ટેમ્બરે OTT પર પ્રીમિયર કરશે. ફિલ્મનું શૂટિંગ ગયા નવેમ્બરમાં શરૂ થયું હતું અને 5 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ, મુંબઈ અને રાજસ્થાનના જેસલમેરમાં કરવામાં આવ્યું છે. હૉરર-કૉમેડી ફિલ્મનું નિર્દેશન પવન કૃપાલાનીએ કર્યું છે, જેમણે અગાઉ ‘રાગિણી એમએમએસ’ અને ‘ફોબિયા’ બનાવી છે. આ ફિલ્મ પહેલાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી. જોકે કોરોના વાયરસ રોગચાળાને પગલે, નિર્માતાઓએ ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો. રમેશ તૌરાની, અક્ષય પુરી દ્વારા નિર્મિત આ ફિલ્મ જયા તૌરાની દ્વારા સહનિર્માણ કરવામાં આવી છે. 'ભૂત પોલીસ' ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.
