ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
સૈફ અલી ખાન ફરી વાર વિવાદોમાં સપડાયા છે. આ વખતે તે પોતાની નવી રીલીઝ થતી ફિલ્મ ‘ભૂત પોલીસ’ને લઈને ચર્ચાઓમાં આવ્યો છે. પોતાની આવનારી આ નવી ફિલ્મનુ પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. એમાં સૈફ અલી ખાન પાછળ સાધુ સંત જોવા મળે છે, જેને લઈને તે અત્યારે વિવાદમાં ફસાયો છે. કરીના કપૂરે ‘ભૂત પોલીસ’નું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. પોસ્ટરમાં સૈફ અલી ખાનની પાછળ સાધુઓને જોઈને અમુક લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ ફિલ્મ બનાવનારાઓ પર લોકો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પોસ્ટરમાં હિન્દુ સાધુઓને શા માટે દર્શાવવામાં આવ્યા છે? શું ‘તાંડવ’ બાદ સૈફ અલી ખાને કંઈ સબક નથી લીધો ? તો અન્ય એક યુઝરે લખ્યું કે સૈફ અલી ખાન હકીકતમાં એક ભૂત છે.
તે તાંડવ વેબ સિરીઝનો એક ભાગ હતો અને આ સિરીઝને બૉયકૉટ કરવામાં આવી હતી. તે એક થર્ડ ક્લાસ એક્ટર છે અને ‘આદિપુરુષ’માં તે રાવણનું પાત્ર ભજવવા પણ યોગ્ય નથી. સૈફ અલી ખાનની વેબ સિરીઝ ‘તાંડવ’ પણ આ વિવાદનો ભાગ બની હતી. આ સિરીઝને બૉયકૉટ કરવાની માગ કરવામાં આવી હતી. આ સીરિઝમાં પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ થયો હતો. ભગવાન શિવના પાત્રમાં એક ઍક્ટરના કારણે વિવાદ થયો હતો.