ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
બોલીવુડનો નવાબ અભિનેતા સૈફ અલી ખાન ગત મહિને 'ધ કપિલ શર્મા શો' માં આવ્યો હતો. સૈફ સંગે જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ જોવા મળી હતા. શો દરમિયાન પોતાની ફિલ્મ 'ભૂત પુલીસ'નું પ્રમોશન કરતી વખતે સૈફે ઘણી મજેદાર વાતો જણાવી હતી. પોતાની રજવાડી મિલકતથી થતી કમાણી વિશે પણ દિલચસ્પ ખુલાસો કર્યો હતો.
શોમાં સૈફ અલી ખાને તાંડવ વેબ સિરીઝ વિશે પણ વાત કરી હતી . જેનું શૂટિંગ પટૌડી પેલેસમાં થયું હતું. શાહી ખાનદાનની હરિયાણા સ્થિત આ પ્રોપર્ટીની કિંમત અંદાજે 800 કરોડ જેટલી કહેવાય છે. જે અત્યારે હેરિટેજ હોટેલ છે.
શો દરમિયાન કપિલે પૂછ્યું હતું કે, તમે એક્ટર તરીકે વધુ કમાણી કરી છે કે પોતાની પ્રોપર્ટી ભાડે આપીને વધુ કમાયા છો? ત્યારે સૈફ અલી ખાને હસતાં હસતાં જવાબ આપ્યો કે, બંનેમાંથી કમાયો છું પણ રજવાડી મહેલમાંથી થતી કમાણી મારી મમ્મી શર્મિલા ટાગોર લઈ લે છે. હું તો ફક્ત નામનો નવાબ છું.
ભોપાલના નવાબ અને સૈફના પિતા મંસૂર અલી ખાનની સંપૂર્ણ સંપત્તિનું આકલન 5000 કરોડથી વધુ કરવામાં આવે છે. ભોપાલમાં 2700 કરોડથી વધારે મિલકત છે. સૈફના પિતાના મૃત્યુ બાદ આ પ્રોપર્ટીની માલકીન તેની માતા શર્મિલા ટાગોર છે અને તે જ સંપત્તિની દેખરેખ કરે છે.