News Continuous Bureau | Mumbai
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાનને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષથી સલમાનને મારવા માંગતો હતો. બિશ્નોઈ હાલ જેલમાં બંધ છે. દરમિયાન, અભિનેતાને હવે કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના એક સહયોગી તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.અભિનેતાને મેલ લોરેન્સ બિશ્નોઈના ઇન્ટરવ્યુ પછી આવ્યો છે, જેમાં ગેંગસ્ટરે ખુલ્લેઆમ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.
સલમાન ખાન ને મળ્યો ધમકી ભર્યો ઈમેલ
બાંદ્રા પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ધમકીનો મેલ શનિવારે બપોરે અભિનેતાની ઓફિસ દ્વારા ઉપયોગમાં લેવાતા ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો હતો. મોહિત ગર્ગના આઈડી પરથી મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, “ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર) ને તારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે.. તેણે ઈન્ટરવ્યુ (લોરેન્સ બિશ્નોઈ) જોયો જ હશે. જો ના જોયો હોય તો તેને કહી દે જે કે જોઈ લે.. મેટર બંધ કરવી હોય તો વાત કરાવી દેજે.ફેસ ટુ ફેસ કરવી હોય તો તે પણ જણાવી દેજે. હવે અમે સમયસર જાણ કરી દીધી છે, આગામી સમયમાં માત્ર ઝટકો જોવા મળશે.”
પોલીસે નોંધી એફઆઈઆર
ઈમેલ મળ્યા બાદ સલમાન ખાન ની ટીમે બાંદ્રા પોલીસનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદના આધારે બિશ્નોઈ, બ્રાર અને ગર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસીની કલમ 506 (2), 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ‘આ ધમકીઓના આધારે સરકારે તાજેતરમાં અભિનેતાની સુરક્ષા વધારી છે. તે અગાઉ પણ બિશ્નોઈ ગેંગના રડાર પર હતો. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.”તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેતાને આવી ધમકી મળી હોય. અગાઉ ગયા વર્ષે જૂનમાં અભિનેતાના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાનને મૂઝવાલાની જેમ મારી નાખવાની વાત કહેવામાં આવી હતી. તે કિસ્સામાં, અભિનેતાની ફરિયાદ પર કેસ પણ નોંધવામાં આવ્યો હતો.