ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
સંસદમાં જયા બચ્ચને બોલીવુડના ડ્રગ્સ કનેક્શન અંગે આપેલા નિવેદનને કારણે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર બચ્ચન પરિવારને સુરક્ષા આપવાનું વિચારી રહી છે. નોંધપાત્ર વાત છે કે તેઓએ રવિ કિશન જેવા નેતા પર બોલિવૂડને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી સોશિયલ મીડિયા પર તેમના નિવેદન અંગે લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેમને સમર્થન આપી રહ્યું છે, તો કેટલાક લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે.
આ દરમિયાન કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે બચ્ચન પરિવારને મુંબઈ પોલીસ વધુ સુરક્ષા પૂરી પાડશે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે સાયબર સેલ ફરિયાદ નોંધાવશે અને બચ્ચન પરિવારને નિશાન બનાવવામાં આવી રહી છે તેવી દરેક પોસ્ટની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચને રાજ્યસભામાં આપેલાં નિવેદન બાદ તેમને ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે, આ પહેલાં જયારે કંગના રનૌતને કેન્દ્ર સરકાર સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી, ત્યારે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોએ ભારે વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં જો ઠાકરે સરકાર તરફથી બચ્ચન પરિવારને સુરક્ષા આપવામાં આવશે, તો તેના ઉપર પણ વિવાદ થશે અને ડ્રગ કેસ ઉપરાંત ફરીથી સરકારના આ નિર્ણય પર રાજનીતિ શરૂ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જયા બચ્ચને સંસદમાં રવિ કિશન પર નિશાનો સાધતા કહ્યું હતું કે, તેઓએ એ જ થાળીમાં છેદ કર્યો જેમાં ખાધું હતું. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રવિ કિશનને ડ્રગ્સને બોલિવૂડની મોટી સમસ્યા ગણાવી હતી અને તે બાદથી જ બંને નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દૌર ચાલુ છે.