ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર
શાહરૂખ ખાન ભલે હવે ઓછી ફિલ્મોમાં જોવા મળે, પરંતુ તેની ગણતરી સિનેમાના ટોચના સ્ટાર્સમાં થાય છે. આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તે ખૂબ જ નસીબદાર હતો કારણ કે જ્યારે એક પ્રખ્યાત અભિનેત્રીએ તેને ફિલ્મોમાં લૉન્ચ કર્યો, ત્યારે એક અભિનેતાએ તેને સુપરસ્ટાર બનાવ્યો અને પોતે ગુમનામ બની ગયા. પરંતુ સ્ટાર બન્યા બાદ શાહરૂખ આ અભિનેતાને ભૂલ્યો નથી. શાહરૂખ ખાન આજ સુધી પોતાના સ્ટારડમનો શ્રેય આ અભિનેતાને આપે છે. શું તમે જાણો છો કે એ અભિનેતા કોણ છે? આ છે અરમાન કોહલી, જે હાલમાં ડ્રગ્સના કેસમાં ફસાયેલો છે. હવે તમે વિચારતા હશો કે અરમાન કોહલીએ શાહરૂખને સુપરસ્ટાર કેવી રીતે બનાવ્યો? ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો.
શાહરૂખ ખાને 1988માં ટીવીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે 'ફૌજી', 'સર્કસ', 'વાગલે કી દુનિયા' અને 'ઉમેદ' જેવી કેટલીક ટીવી સિરિયલો કરી અને પછી ફિલ્મો તરફ વળ્યા. વર્ષ 1992માં અભિનેત્રી હેમા માલિનીએ શાહરૂખને 'દિલ આશના હૈ' ઓફર કરી હતી. આ ફિલ્મમાં દિવ્યા ભારતી લીડ રોલમાં હતી. પરંતુ કોઈ કારણસર તે ફિલ્મ અટકી ગઈ અને તે પહેલા શાહરૂખની બીજી ફિલ્મ ‘દિવાના’ રિલીઝ થઈ.
‘દિવાના’ શાહરૂખ ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને શાહરૂખને રાતોરાત સ્ટાર બનાવી દીધો. આ ફિલ્મમાં દિવ્યા ભારતી સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શાહરૂખને 'દીવાના' અરમાન કોહલીના કારણે જ મળી. વાસ્તવમાં, પહેલા અભિનેતા અરમાન કોહલીને 'દીવાના' માટે સાઈન કરવામાં આવ્યો હતો. અરમાને ફિલ્મની મુખ્ય હિરોઈન દિવ્યા ભારતી સાથે પોસ્ટર અને ફોટોશૂટ કરાવ્યું હતું. ફિલ્મનો અમુક હિસ્સો પણ સાથે શૂટ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અરમાન કોહલીએ અચાનક જ આ ફિલ્મ છોડી દીધી હતી. જેના કારણે ફિલ્મના દિગ્દર્શક રાજ કંવર મુશ્કેલી માં મુકાઈ ગયા હતા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, પરંતુ હીરો નો કોઈ અતો – પતો જ નહતો . ત્યારબાદ રાજ કંવરે આ ફિલ્મ માટે શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો. શાહરૂખે 'દીવાના' સાઈન કરી અને પછી જે થયું તે ઈતિહાસ બની ગયું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને શાહરૂખને જબરદસ્ત સ્ટારડમ અપાવ્યો. આ ફિલ્મની સફળતા બાદ શાહરૂખે 'બાઝીગર' અને 'ડર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. શાહરૂખ મોટો સ્ટાર બની ગયો પરંતુ તે વ્યક્તિને ભૂલ્યો નહીં, જેના કારણે તેને સ્ટારડમ મળ્યું.
કોંગ્રેસના આ નેતાએ લખ્યો શાહરૂખ અને ગૌરીને પત્ર, કહી દીધી આટલી મોટી વાત; જાણો વિગત
વર્ષ 2016માં શો 'યાદો કી બારાત'માં શાહરૂખે પોતાના સ્ટારડમ અને તેમાં અરમાન કોહલીના યોગદાન વિશે કહ્યું હતું કે, 'હું સ્ટાર બની ગયો છું, આ માટે અરમાન કોહલી જવાબદાર છે. 'દીવાના'ના પોસ્ટરમાં તે દિવ્યા ભારતીની સાથે જોવા મળ્યો હતો. એ પોસ્ટર હજી પણ મારા ઘરે છે. અરમાન, મને સ્ટાર બનાવવા બદલ આભાર’.