ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021
ગુરૂવાર
અભિનેતા શાહરુખ ખાન ફિલ્મ નિર્માણ કંપની વાયકૉમ 18 સાથે સોદો કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પોતાની બહુચર્ચિત ડબલ રોલ ફિલ્મ પોતે બનાવવાનો નિર્ણય કર્યો છે. તેની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થયા બાદ જ ફિલ્મના વિતરણ અને અન્ય અધિકારો પર વધુ ચર્ચા કરશે. શાહરુખ ખાન અભિનીત છેલ્લી રજૂઆત 'ઝીરો' હતી, જે ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને એ નિર્માતા-નિર્દેશક આનંદ એલ. રાયની કંપની કલર યલો પ્રોડક્શન્સ સાથે મળીને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી હતી. શાહરુખ ખાનની ડબલ રોલવાળી ફિલ્મના ડિરેક્ટર એટલી છે અને એનું શૂટિંગ પુણેમાં શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મની નાયિકા નયનતારા છે અને તેના સિવાય દક્ષિણ ભારતીય સિનેમાના અન્ય દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હિન્દી સિવાય આ ફિલ્મ અન્ય મુખ્ય ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે.
ફિલ્મ 'ઝીરો' બૉક્સ ઑફિસ પર અપેક્ષિત પરિણામ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા બાદ શાહરૂખ ખાને તેની ફિલ્મો અંગે ઘણી સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે. 'ઝીરો' પહેલાં રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મો 'રઈસ', 'જબ હેરી મેટ સેજલ', 'ડિયર જિંદગી', 'દિલવાલે', 'હૅપ્પી ન્યૂ યર' અને 'ચેન્નઈ એક્સપ્રેસ' હતી. શાહરૂખ હવે મોટા પડદા પર સામાન્ય લોકોની ભૂમિકા ભજવવાનું ટાળી રહ્યો છે. તેના નજીકના મિત્રો માને છે કે શાહરુખ હવે માત્ર તે જ નિર્દેશકો સાથે કામ કરવા માગે છે કે જેઓ તેને નવી શૈલીમાં રજૂ કરવાની ક્ષમતા ધરાવતા હોય. આ અફેરમાં ડિરેક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ 'ડૉન 3' પણ હજુ શરૂ થઈ નથી.
કોરોના ની રસીના બે ડોઝ લીધા બાદ પણ બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર-ડિરેક્ટરને થયો કોરોના; જાણો વિગત
આજકાલ શાહરૂખ ખાન યશરાજ ફિલ્મ્સના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાણ'નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તેનું છેલ્લું શેડ્યૂલ સ્પેનમાં થવાનું છે, જેમાં ફિલ્મની હિરૉઇન દીપિકા પાદુકોણ પણ ભાગ લેશે. આ શૂટિંગ શેડ્યૂલ પર જતાં પહેલાં, શાહરુખ થોડા દિવસ માટે પુણેમાં તેની હોમ પ્રોડક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી અનુસાર આ ફિલ્મના નિર્દેશક એટલીએ તેની ટીમ સાથે છેલ્લા ઘણા દિવસથી પુણેમાં ધામા નાખ્યા છે.