News Continuous Bureau | Mumbai
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં જામીન મળ્યા બાદ અભિનેતા શીઝાન ખાન બહાર આવ્યો છે. જેલમાંથી મુક્ત થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન તેણે ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં, તેની ધરપકડ બાદ, તેનો પાસપોર્ટ પોલીસે જપ્ત કરી લીધો હતો, જેને તેણે પાછો મેળવવા માટે હવે કોર્ટમાં અરજી કરી છે.
શીઝાન ખાને કોર્ટ માં કરી અરજી
અભિનેતાએ આ માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. અભિનેતાની અરજી પર 2 મે એ સુનાવણી થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, શીઝાને પોલીસ દ્વારા જપ્ત કરાયેલ પાસપોર્ટ પરત કરવા માટે વસઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ પહેલા મીડિયા રિપોર્ટમાં પણ સ્ત્રોતને ટાંકીને આ સમાચાર પ્રકાશિત થયા હતા કે શીઝાને કોર્ટમાં પાસપોર્ટ માટે અરજી કરી છે. જો અહેવાલોનું માનીએ તો, ખતરોં કે ખિલાડી 13 માટે અભિનેતાને ફાઈનલ કરવામાં આવ્યો છે, તેથી તે કદાચ આ મહિનાના અંત સુધીમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં અન્ય સ્પર્ધકો સાથે ઉડાન ભરશે, જેના કારણે તેને પાસપોર્ટની જરૂર છે.
તુનિષા આત્મહત્યા કેસ માં શીઝાન ની થઇ હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, શીઝાન ની કો-સ્ટાર તુનિષા શર્મા તેના ટીવી શોના સેટ પર લટકતી જોવા મળી હતી. જે બાદ અભિનેત્રીની માતાએ અભિનેતા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ પોલીસે એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી હતી.કોર્ટમાં સુનાવણી બાદ 5 માર્ચે અભિનેતાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં નામ આવ્યા બાદ શીઝાન અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલનો હિસ્સો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 13 મળ્યો છે.