ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ પૉર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને એને ઍપ પર અપલોડ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસના કારણે શિલ્પા શેટ્ટી પણ કાયદાકીય કાર્યવાહીમાં આવી અને તેના પરિવારની ઘણી ટીકા થઈ. હવે અહેવાલ છે કે શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રાથી અલગ થવાની યોજના બનાવી રહી છે.
મીડિયા રિપૉર્ટ્સના એક અહેવાલ મુજબ રાજ કુન્દ્રાના કાનૂની ઝઘડાએ શિલ્પા માટે પણ મુશ્કેલી સર્જી છે. શિલ્પાના એક મિત્રે અભિનેત્રીના ઘરમાં ચાલી રહેલા અંગત નિર્ણયો પર કેટલાક મોટા ખુલાસા કર્યા છે. શિલ્પાના મિત્રે કહ્યું કે તેને (શિલ્પાને) ખબર નહોતી કે આ હીરા અને ડુપ્લેક્સ બેઇમાની દ્વારા આવી રહ્યા છે. આગળ તેના મિત્રે એમ પણ કહ્યું કે શિલ્પા પણ હવે રાજ દ્વારા આપવામાં આવેલી વસ્તુઓને સ્પર્શ કરવા માગતી નથી.શિલ્પા આત્મનિર્ભર છે અને પોતાની અને બાળકોની સંભાળ રાખી શકે છે. શિલ્પાએ ઇન્ડસ્ટ્રીમાં તેના પરિચિતોને પણ જાણ કરી છે કે તે ‘હંગામા 2’ અને ‘નિકમ્મા’ પછી અન્ય ફિલ્મોમાં પણ કામ કરવા માટે ઉત્સુક છે.
એવા અહેવાલો પણ છે કે શિલ્પા શેટ્ટીને તેના પ્રોજેક્ટ્સમાં નિર્દેશકો અનુરાગ બાસુ અને પ્રિયદર્શન દ્વારા ભૂમિકાઓની ઑફર કરવામાં આવી છે. આ માહિતી કેટલી સચોટ છે તે અંગે શિલ્પાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તેમ જ રાજથી દૂર રહેવાના નિર્ણય પર શિલ્પાનો શું અભિપ્રાય છે એ તો સમય જ કહેશે.
રાજ કુન્દ્રાના પૉર્નોગ્રાફી કેસ બાદ શિલ્પાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેણે તેના પતિને નિર્દોષ ગણાવ્યો અને કહ્યું કે તે શૃંગારિક સામગ્રી સાથે ફિલ્મો બનાવે છે પૉર્ન ફિલ્મો નહીં. આ મામલે શિલ્પાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ કરવામાં આવી હતી. બાદમાં શિલ્પાએ એક નિવેદન જારી કર્યું અને તેની ગોપનીયતા આપવા અપીલ કરી. તેણે લખ્યું, 'માત્ર હું જ નહીં, પરંતુ મારા પરિવારને પણ ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મારું વલણ એ છે કે મેં હજુ સુધી કશું કહ્યું નથી અને હું આ મામલે આગળ કશું નહીં કહું. એથી મારા નામે ખોટી વાતો ન કરો. હું તમને વિનંતી કરું છું, ખાસ કરીને માતા તરીકે, અમારાં બાળકોની ખાતર અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરો.’
આ પોસ્ટ પછી શિલ્પાએ તેના નિયમિત જીવન સાથે આગળ વધવાનું શરૂ કર્યું. હવે તે ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં પરત ફરી છે.