ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં તપાસ કરી રહેલી એજન્સી સીબીઆઈએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સીબીઆઈની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈએ એક સમાચારને નકારી કાઢતાં કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ હજી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ એઈમ્સનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં હત્યાના એંગલને નકારી કાઢવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવતું હતું કે સુશાંતસિંહ રાજપૂતનું મોત એ આત્મહત્યા છે. ત્યારબાદ તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે સીબીઆઈની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
આ અંગે સીબીઆઈની તરફેણ કરતાં એક એજન્સીએ કહ્યું હતું કે, 'સુશાંતસિંહ રાજપૂતના મોત અંગેના કેસમાં સીબીઆઈ તપાસ હજું ચાલી રહી છે. મીડિયામાં ઘણા અહેવાલો છે કે સીબીઆઈ કોઈ એક ઉકેલ પર પહોંચી ગઈ છે, પરંતુ આ સમાચાર ખોટા છે અને અમે આ સમાચારોને નકારી કાઢીએ છીએ.’
નોંધનીય છે કે તાજેતરના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સીબીઆઈએ તેની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તે જલ્દીથી બિહાર કોર્ટમાં તેનો રિપોર્ટ રજૂ કરશે.
આપને જણાવી દઈએ કે, સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ તેના પિતા કે કે સિંહે પટણામાં પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ સુશાંતસિંહ રાજપૂતનાં મોતના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું નિધન 14મી જૂને થયું હતું. તે મુંબઈ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.