ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર સમાચાર છે કે એમ્સએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા નથી થઇ પરંતુ આત્મહત્યા છે અને તપાસમાં ગળાફાંસો ખાવાને કારણે તેના શરીર પર જે અસર થઇ હતી તેના પૂરાવા મુંબઈ પોલીસે આપ્યા હતા તે માન્ય રાખ્યા છે. અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ અને અન્ય ફોરેન્સીક તપાસ બાદ આ તારણ આપવામાં આવ્યું છે. જે બાદ હવે સીબીઆઈ આત્મહત્યા માટે ઉશ્કેરવા કે પ્રેરણા આપવા જેવા અપરાધની તપાસ ચાલુ રાખશે. એટલે કે હવે આગળની તપાસમાં એ સવાલનો જવાબ ચોક્કસ શોધવામાં આવશે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી અને કરી હતી તો તેનું કારણ શું હતું? શું કોઈએ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?
ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતાના મૃત્યુ બાદ બિહાર પોલીસે સુશાંત સિંહની હત્યા થઇ હોવાની એફઆઈઆર નોંધી હતી અને બાદમાં સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. સીબીઆઈએ દિલ્હીની એઇમ્સના નિષ્ણાંતો પાસેથી અભિનેતાના વિસેરા સહિતના નમૂનાનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને અન્ય પુરાવાનું વિશ્લેષણ કરાવાયું હતું.
નોંધનીય છે કે સુશાંત આત્માહત્યા કેસમાં ડ્રગ એંગલની પણ તપાસ ચાલુ છે અને તેમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિતના હાલ અનેક જેલમાં બંધ છે.
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ 14 જૂનના રોજ મુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.