News Continuous Bureau | Mumbai
આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ઘણી ચર્ચા અને વિવાદ સર્જી રહી છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરલા સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.જોકે આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર પણ જોરદાર બિઝનેસ કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મનું ઈન્ડિયા કલેક્શન બે દિવસમાં લગભગ 20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તે સ્લીપર હિટ બનવા તરફ આગળ વધી રહી છે. પરંતુ હવે ‘ધ કેરલા સ્ટોરી’ ફરી એકવાર વિવાદમાં આવી છે. તમિલનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને આ ફિલ્મને સિનેમાઘરોમાં બતાવવાની ના પાડી દીધી છે.
ફિલ્મને આ કારણે ‘ધ કેરલા સ્ટોરી’ ની સ્ક્રિનિંગ કરાયું બંધ
માહિતી અનુસાર, તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી છે કે રવિવારથી રાજ્યભરમાં ‘ધ કેરલા સ્ટોરી”નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે આ ફિલ્મ ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળ એક કારણ છે.તમિલનાડુના ઘણા રાજકીય સંગઠનોએ ધમકી પણ આપી છે કે જો આ ફિલ્મ કોઈપણ સિનેમા હોલમાં બતાવવામાં આવશે તો તેને બંધ કરી દેવામાં આવશે.
‘ધ કેરલા સ્ટોરી’ના ટ્રેલર પર થયો હતો વિવાદ
ફિલ્મના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 છોકરીઓ આવી ઘટનાનો શિકાર બની છે, જેણે ઘણો વિવાદ જગાવ્યો હતો. કેરળ હાઈકોર્ટમાં પણ ‘ધ કેરલા સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવા માટે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, નિર્માતાઓએ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લાઇન હટાવી દેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં 32,000 મહિલાઓ ISISમાં જોડાઈ છે.