ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડ ઇન્ડસ્ટ્રીઝ ચકાચૌંધથી ભરેલી છે. બૉલિવુડ સ્ટાર્સની ચમક ઘણી વાર સમાચારોમાં રહે છે. લોકો તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા માગે છે. એટલા માટે બૉલિવુડ સ્ટાર્સ ખૂબ સાવચેત રહે છે કે મીડિયામાં તેમના આવા કોઈ સમાચાર ન આવે, જે તેમની છબીને અસર કરે. શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાનનો ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ ફરી એક વાર ચર્ચા શરૂ થઈ છે કે કયા બૉલિવુડ સ્ટાર્સ ડ્રગની જાળમાં ફસાયા છે. બૉલિવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમનો ડ્રગ્સ સાથે સંબંધ હતો અને તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે તેઓ ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. આજે અમે તમને એવા બૉલિવુડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનો સંબંધ ડ્રગ્સ સાથે હતો. આ કલાકારોએ પણ ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું છે.
આર્યન ખાન
આ લિસ્ટમાં તાજું નામ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું છે. મુંબઈની ક્રૂઝમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાંથી આર્યનને NCBએ પકડ્યો હતો. અહેવાલો અનુસાર આર્યને સ્વીકાર્યું છે કે તે ચાર વર્ષથી ડ્રગ્સ લેતો હતો.
રણબીર કપૂર

વર્ષ 2011માં એક મુલાકાત દરમિયાન રણબીરે ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ 'રૉકસ્ટાર'ના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લીધું હતું. એટલું જ નહીં, રણબીરે કહ્યું હતું કે તેણે શાળાના દિવસોથી ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં તે તેની આદત બની ગઈ હતી, પરંતુ બાદમાં તેણે પોતાની જાતને ડ્રગ્સથી દૂર કરી.
સંજય દત્ત

આ તે સમય હતો જ્યારે સંજય દત્ત ફિલ્મોના શૂટિંગ દરમિયાન પણ નશો કરતો હતો. તે તેની માતાના મૃત્યુ પછી ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો. સંજયને કોકેન અને હેરોઇનનું વ્યસન હતું અને તે બે વર્ષ સુધી ટેક્સાસમાં રિહેબમાં રહ્યો હતો.
ફરદીન ખાન
ફરદીન ખાન પણ એક સમયે ડ્રગ્સનો વ્યસની હતો, જેના કારણે 5 મે, 2001ના રોજ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. ફરદીન પાસેથી પોલીસે 9 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું. એ પછી ફરદીને ડિટોક્સિફિકેશનનો કોર્સ કર્યો અને ડ્રગનું વ્યસન છોડી દીધું.
કંગના રાણાવત
સુશાંત સિંહના મૃત્યુ પછી કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે તેની કારકિર્દીની શરૂઆતમાં ડ્રગની વ્યસની હતી. આ સાથે તેણે કહ્યું કે અડધું બૉલિવુડ ડ્રગ્સની દલદલમાં ફસાયેલું છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા

હાસ્ય કલાકારો ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો, ત્યાર બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. એમાં ભારતી અને તેના પતિએ ડ્રગ્સ લેવાની કબૂલાત કરી હતી.
માત્ર 16 વર્ષની ઉંમરમાં વેઇટરનું કામ કરતી હતી બૉલિવુડની આ અભિનેત્રી; જાણો વિગત