ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
22 જાન્યુઆરી 2021
બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધો વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે વર્ષો પહેલા અંડરવર્લ્ડના રૂપિયા બોલિવૂડની ફિલ્મોમાં લાગતા હતા. 70 થી 90ના દાયકામાં અંડરવર્લ્ડ ડોનના કાર્યક્રમો કે પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો માત્ર ઉપસ્થિત જ ન રહેતા પરંતું પર્ફોમન્સ પણ આપતા હતા. ગેંગસ્ટર વોર, દાણચોરી, સટ્ટાબજર, ખંડણીખોરી કરવી અંડરવર્લ્ડ માફિયાઓના મુખ્ય કામ રહેતા હતા. બોલિવૂડની ફિલ્મોમાં રૂપિયા કમાવવામાં રસ દાખવતા ડોન ત્યારબાદ બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રીઓમાં રસ દાખવવા લાગ્યા.
તમે બોલીવુડ દુનિયાના ઘણાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા હશે, જેમણે કોઈ અન્ય બૉલીવુડ અભિનેતા અથવા અભિનેત્રી સાથે લગ્ન કર્યા અને બોલિવૂડ જગતને અલવિદા કહી દીધું. પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમને પ્રેમ તો કર્યો પરંતું આ પ્રેમ કરવા માટે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોઈ અભિનેત્રીને જેલવાસ ભોગવવો પડ્યો તો કોઈ અભિનેત્રીએ સન્યાસી બની જવું પડ્યું. તો ચાલો જાણીએ મુંબઈમાં રાજ કરવા આવેલા ડોન બોલિવૂડની કઈ હિરોઈનોની સુંદરતાના શિકાર બની ગયા.
1. મોનિકા બેદી
90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મોનિકા બેદીને ડોન દાઉદ ઈબ્રાહીમના રાઈટ હેંડ કહેવાતા અબૂ સાલેમ સાથે પ્રેમ થયો હતો. અબૂ સાલેમ સાથે પ્રેમ કરવો તે અભિનેત્રી મોનિકા બેદીના જીવનની સૌથી મોટી ભૂલ રહી હતી. વર્ષ 1998માં દુબઈમાં એક શોમાં હાજરી આપવા માટે મોનિકા બેદી ગઈ હતી. મોનિકા બેદીની મુલાકાત ત્યા અબૂ સાલેમ સાથે થઈ હતી. અબૂ સાલેમે પોતાની ઓળખ બિઝનેસમેન તરીકેની આપી હતી. મુંબઈ પરત આવ્યા બાદ 9 મહિના સુધી મોનિકાની અબૂ સાલેમ સાથે ફોન પર વાતચીત થતી હતી. મોનિકાના મતે, તે જાણતી ન હતી કે અબુ સાલેમ અન્ડરવર્લ્ડ ડોન છે. અબૂ સાલેમ પ્રોડ્યુસરને ધમકી આપી મોનિકા બેદીને કામ અપાવતો હતો, ત્યારબાદ બનાવટી પાસપોર્ટ કેસમાં મોનિકા બેદીને 5 વર્ષની જેલની સજા થઈ. ત્યારબાદ મોનિકાએ અબૂ સાલેમ સાથે સંબંઘ તોડી નાખ્યા હતા અને નવી જીંદગીની શરૂઆત કરી હતી.
2. મંદાકિની
રામ તમારી ગંગા મેલીથી પ્રખ્યાત અભિનેત્રી મંદાકિનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. ફિલ્મમાં મંદાકિનીના બોલ્ડ અવતારે તે સમયે દેશભરમાં ચર્ચા જગાવી દીધી હતી. મંદાકિનીના દેશભરમાં હજારો ચાહકો થઈ ગયા હતા અને તેમાં ડોન દાઉદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1994-95માં દુબઈના શારજાહ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં મંદાકિની ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોવા મળી હતી. બંનેના સાથેના ફોટા તે સમયે સમાચારપત્રોની હેડલાઈન બની ગયા હતા. બંનેના અફેરની ઘણી વાતો ચાલી પરંતું મંદાકિનીએ આ બધી વાતને ખોટી ગણાવી હતી. પોતાની સુંદરતા અને અભિનયથી અલગ ઓળખ બનાવનાર મંદાકિની અન્ડરવર્લ્ડ ડોન દાઉદના પ્રેમમાં પડી ત્યારબાદ તેણે બોલિવૂડમાં પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. તેમ છતાં પણ દાઉદ ના કારણે મંદાકિનીને બોલીવુડમાં ફિલ્મો મળી હતી.
3. મમતા કુલકર્ણી
રાતોરાત બોલિવૂડમાંથી ગાયબ થઈ ગયેલી અભિનેત્રી મમતા કુલકર્ણીની વાર્તા પણ આવી જ છે. એક સમયે મમતા કુલકર્ણી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. મોટા કલાકારો તેની સાથે કામ કરવા માંગતા હતા. પરંતુ તે સમયે જ્યારે મમતા કુલકર્ણીની કારકીર્દિ વધી રહી હતી, ત્યારે તેનું નામ ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે જોડાવાનું શરૂ થયું. બાદમાં મમતા કુલકર્ણીએ વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યાં. પરંતુ તેણી અને તેના પતિ વિકી ગોસ્વામીની કેન્યા એરપોર્ટ પર ડ્રગની દાણચોરીના કેસમાં 2016 માં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે મમતાને મુક્ત કરી હતી. એવું કહેવામાં આવે છે કે મમતા હવે સાધ્વી તરીકે પોતાનું જીવન જીવી રહી છે.
4. સોના
ડોન દાઉદ ઈબ્રાહીમ પહેલા હાજી મસ્તાનનો અંડરવર્લ્ડની દુનયામાં દબદબો હતો. હાજી મસ્તાન અંડરવર્લ્ડની દુનિયાનો પહેલો ડોન કહેવાતો હતો. કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન હાજી મસ્તાને સોનાને તેના જ પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં પહેલીવાર જોયો હતો. હાજી મસ્તાને જોતાં જ તેનું હૃદય સોનાને આપી દીધું. હાજી મસ્તાને સોના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સોના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. હાજી મસ્તાન પહેલેથી પરિણીત હતા. થોડા વર્ષો બાદ હાજી મસ્તાનનું નિધન થઈ ગયું અને તે બાદ સોનાની જીંદગી બદલાઈ ગઈ અને એવો સમય પણ આ અભિનેત્રીએ જોયો કે તેને બે ટંકનું ભોજન મેળવવા મુશ્કેલી પડતી હતી. આપને જણાવી દઈએ કે હાજી મસ્તાન અને સોનાની પ્રેમકહાની પર આધારિત ફિલ્મ 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ' ફિલ્મ બની હતી.
5. અનિતા અયુબ
અનિતા અયુબ પાકિસ્તાની અભિનેત્રી હતી અને બોલિવૂડની ફિલ્મોમાં પણ સક્રિય હતી. 90ના દાયકામાં બોલીવુડમાં અનિતા અને દાઉદની વાર્તાઓ સામાન્ય હતી. પરંતુ ઘણા લોકો દાઉદ સાથેના સંબંધોને કારણે અનિતાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આવા જ એક દિગ્દર્શક હતા જાવેદ સિદ્દીકી. 1995 માં તેણે અનિતા અયુબને તેની એક ફિલ્મમાં લેવાની ના પાડી. ગુસ્સે ભરાયેલા, દાઉદ ઇબ્રાહિમે તેના કાર્યકર્તાઓને મોકલ્યા અને જાવેદ સિદ્દીકીની હત્યા કરી દીધી. પરંતુ બાદમાં અનિતા પણ બોલિવૂડમાં સર્વાઇવ ન કરી શકી.