ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
ધ ફેમિલી મેનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયામણીના મુસ્તફા રાજ સાથેના લગ્ન ગેરકાયદે હોવાનો દાવો તેની પહેલી પત્ની આયેશાએ કર્યો છે. તેણીએ મીડિયાને કહ્યું છે કે હજી મુસ્તફા સાથે કાયદેસર છૂટાછેડા થયા નથી. જોકે, મુસ્તફા અને આયેશા 2013માં છૂટા થઈ ગયા હતા અને તેણે 2017માં પ્રિયમણી સાથે લગ્ન કર્યા હતા. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે.
મુસ્તાફે આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું છે કે આ વસૂલી કરવાનો પ્રયાસ છે. તેણે ઉમેર્યું હતું કે “મારી સામેના આરોપો ખોટા છે. હું નિયમિત રીતે આયેશાને બાળકોની દેખરેખ માટે વળતર ચૂકવી રહ્યો છું. તે ફક્ત મારી પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી રહી છે."
ઉલ્લેખનીય છે કે મૂળ સાઉથની અભિનેત્રી પ્રિયામણીને ‘ધ ફેમિલી મેન’ સીરીઝથી ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અભિનેત્રીએ પણ આયેશાના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. આ મામલે આયેશાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “મુસ્તફા હજી મારી સાથે વિવાહિત છે. મુસ્તફા અને પ્રિયમણીના લગ્ન ગેરકાયદે છે. અમે છૂટાછેડા માટે અરજી પણ કરી નથી અને પ્રિયમણી સાથે લગ્ન કરતી વખતે તેણે કોર્ટમાં જાહેર કર્યું કે તે બેચલર છે."