ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયના ઘરે બેંગ્લુરુ પોલીસના બે ઇન્સ્પેક્ટરએ આજે દરોડા પાડ્યા. વાસ્તવમાં આ દરોડા વિવેક ઓબેરોયના સાળાની ડ્રગ્સ કેસ મામલે થઈ રહેલી તપાસને લઈ પાડવામાં આવ્યા છે. બેંગ્લુરુ પોલીસ સર્ચ વોરંટ લઈને વિવેકના જુહુ સ્થિત ઘરે પહોંચી હતી. પોલીસ અધિકારીએ આ દરોડા અંગે જણાવ્યું હતું કે ' વિવેક ઓબેરોય નો સાળો ફરાર છે અને અમને એવી જાણકારી મળી હતી કે તે અહીં ઘરમાં છૂપાયેલા છે. તેના આધારે અમે તેની ચકાસણી કરવા આવ્યા છીએ.'
વિવેકના સાળાની બેંગ્લુરુ સ્થિત ઘરની પણ પોલીસ તપાસ કરી ચૂકી છે. વિવેકના સાળા કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલવાના દીકરા છે. તેમના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગના ગીતકારો અને અભિનેતાઓને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. કન્નડ ફિલ્મ ઉદ્યોગને સેન્ડલવૂડના નામે ઓળખવામાં આવે છે. બોલિવૂડની જેમ દક્ષિણમાં પણ ડ્રગ્સને લઈને ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે બે અભિનેત્રીઓની પણ પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુશાંત રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીની સાથે બોલિવૂડનું ડ્રગ્સ રેકેટ બહાર આવ્યું હતું. તેના પગલે સમગ્ર બોલિવૂડમાં સોંપો પડી ગયો હતો. બોલિવૂડ પછી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ડ્રગ્સ કાંડને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આમ આ કેસના તાણાવાણા સમગ્ર દેશના ફિલ્મ ઉદ્યોગ સુધી પહોચે તો પણ કોઈને નવાઈ નહીં લાગે.